શું આ અખાત્રીજે તમે ઘરની સ્ત્રીને આપી ‘ભેટ’ ? એક ‘ભેટ’ બદલશે તમારું ભાગ્ય !

સામાન્ય રીતે અખાત્રીજના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે, પણ તમે જાણો છો કે અખાત્રીજે જો ઘરની સ્ત્રીને કોઈ ભેટ આપશો તો પણ આપના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે.

  • Publish Date - 9:48 am, Fri, 14 May 21 Edited By: Bhavesh Bhatti
શું આ અખાત્રીજે તમે ઘરની સ્ત્રીને આપી ‘ભેટ' ? એક ‘ભેટ' બદલશે તમારું ભાગ્ય !
એક ‘ભેટ' બદલશે તમારું ભાગ્ય !

વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ (AKHATREEJ). આજનો અખાત્રીજનો દિવસ ખુબ શુભ માનવામાં આવે છે. અખાત્રીજનો અવસર એટલે તો દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. એવું કહેવાય છે કે જો આજે દેવી લક્ષ્મીને રીઝવવાના ઉપાય કરવામાં આવે તો સંપૂર્ણ વર્ષ દરમિયાન દેવીના આશીર્વાદ બન્યા રહે છે. વ્યક્તિને અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવતો અવસર છે અખાત્રીજ. આ વર્ષે અખાત્રીજનો અવસર શુક્રવારે આવ્યો છે અને શુક્રવાર તો દેવી લક્ષ્મીનો વાર કહેવાય છે. એટલે કે શુક્રવારે આવેલી અખાત્રીજ વધુ ખાસ બની જાય છે.

સામાન્યરીતે અખાત્રીજના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરતાં હોય છે, પણ તમે જાણો છો કે અખાત્રીજે જો ઘરની સ્ત્રીને કોઈ ભેટ આપશો તો પણ આપના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે અને એટલું જ નહીં આજના દિવસે દાન પણ અવશ્ય કરવું. એવું કહેવાય છે જો આપનાથી સોનુ કે ચાંદી ખરીદવું શક્ય નથી તો કોઈ પણ વસ્તુનું દાન કરવું. કારણકે દાન કરવાથી પણ લક્ષ્મી કૃપાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું એવાં પાંચ લૌકિક ઉપાય કે જેનાથી આપ દેવી લક્ષ્મીની કૃપાના અધિકારી બનો છો. જાણો કઈ કઈ વસ્તુનું કરવું દાન અને સાથે જ ઘરની સ્ત્રી ને શું આપશો ઉપહાર?

1.એવું કહેવાય છે કે અખાત્રીજે પિતૃઓના નામથી કરેલું દાન સૌથી વધુ પૂણ્યદાયી મનાય છે. અખાત્રીજ એ પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટેનો ઉત્તમ દિવસ મનાય છે. એટલે જો પિતૃકૃપા અને લક્ષ્મી કૃપા બંન્નેની જો પ્રાપ્તિ કરવી છે તો આપના પિતૃને પ્રિય કોઈ પણ વસ્તુનું દાન કરો. શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને ભોજન માટે પણ બોલાવી શકો છો.

2. આજના દિવસે જલપાત્રનું દાન પણ ઉત્તમ કહેવાય છે. એવું કહેવાય છે કે આજે કળશ અથવા માટીના કોઈ પાત્રમાં ખાંડ મિશ્રીત જળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિ કુંડળીમાં રહેલા દોષ દુર થાય છે અને ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે.

3. અક્ષયતૃતીયાએ જરુરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. અન્નદાનથી જિવનમાં સમૃદ્ધિ બરકરાર રહે છે. માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે અન્નનું દાન કરવાથી ઘરના ધન-ધાન્યના ભંડાર અખુટ રહે છે.

4. અખાત્રીજના દિવસે સફેદ અથવા કોઈ ચમકદાર કપડાનું દાન કરવું પણ ખુબ શુભદાયી માનવામાં આવે છે. આજનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત હોવાથી ઘરની સ્ત્રીને પણ વસ્ત્રનું દાન કરવું જોઈએ, અથવા તો કોઈ ભેટ આપવી જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી વર્ષ દરમિયાન ઘરમાં ખુશહાલી રહે છે.

5. સિંદુર મા લક્ષ્મીને પ્રિય કહેવાય છે. ત્યારે દેવી લક્ષ્મીની કૃપા ને પ્રાપ્ત કરવા માટે અખાત્રીજના દિવસે સિંદુર અને સાથે અન્ય સૌભાગ્યની સામગ્રીનું પણ દાન કરવું જોઈએ.

આ પાંચ વસ્તુઓના દાનથી દેવી લક્ષ્મીની સદૈવ કૃપા ભક્તો પર બની રહેતી હોવાની માન્યતા છે. જો આપ આ દાન કરવા સમર્થ નથી તો અખાત્રીજના દિવસે આ વિશેષ અને સરળ પ્રયોગ પણ કરી શકો છો. અખાત્રીજના દિવસે બજારમાંથી 11 કોડી ઘરે લાવવી. તેનું પૂજન કરવુ અને ત્યારબાદ આ કોડીને ઘરની તિજોરીના સ્થાન પર રાખી દેવી. આ પ્રયોગથી ઘરની તિજોરી હંમેશા ભરેલી રહેતી હોવાની માન્યતા છે. આ અખાત્રીજ આપને ફળદાયી રહે તેવી અભ્યર્થના !