પુડુચેરીમાં કોંગ્રેસની સરકારના પતન બાદ BJP એ કહ્યું – સરકાર બનાવવાનો દાવો નહીં કરીએ

પુડુચેરીમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ થઇ. ત્યાર બાદ નારાયણસ્વામીએ રાજીનામું પણ સોંપી દીધું. અને BJP એ કહ્યું કે તેઓ સરકાર બનાવવાનો દાવો નહીં કરે.

  • tv9 webdesk37
  • Published On - 14:44 PM, 22 Feb 2021
પુડુચેરીમાં કોંગ્રેસની સરકારના પતન બાદ BJP એ કહ્યું - સરકાર બનાવવાનો દાવો નહીં કરીએ
M. P. Saminathan

પુડુચેરીમાં કોંગ્રેસની ગઠબંધનની સરકારના પતન પછી ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે તે સરકાર બનાવવાનો દાવો કરશે નહીં. બીજેપીએ કહ્યું કે નારાયણસ્વામીની સરકારના પતન સાથે કેન્દ્રશાસિત પ્રદેશનું સૌથી ખરાબ પ્રકરણ સમાપ્ત થયું. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે.

રાજ્યના મુખ્ય પ્રધાન નારાયણસ્વામી વિધાનસભામાં બહુમતી સાબિત કરી શક્યા નહીં અને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગૃહથી વોકઆઉટ કરી દીધું. આ બાદ પુડુચેરી સરકાર પડી અને મુખ્ય પ્રધાન નારાયણસ્વામીએ પણ ઉપરાજ્યપાલને રાજીનામું સોંપ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષો સાથે મળીને સરકારને લથડવાનો પ્રયાસ કર્યો.

પુડ્ડુચેરી સરકાર બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગયા બાદ ભાજપ અધ્યક્ષ વી સ્વામીનાથનએ કહ્યું કે, અમે આ તબક્કે સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરીએ. આગામી ચૂંટણીઓમાં લોકોના આશીર્વાદ અને મોદીજીના નેતૃત્વ હેઠળ, ભાજપ અને ગઠબંધન ભાગીદારો મળીને મે મહિનામાં સરકાર બનાવશે અને પુડુચેરીના લોકો માટે ઉજ્જવળ ભવિષ્ય લાવશે. ”

તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં નાણાંની ભારે લૂંટ કરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા નોકરી, રેશન, આરોગ્ય, રસ્તાઓ અને શિક્ષણ માટે જે નાણાં મોકલવામાં આવતા હતા તેનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “તમે જોયું કે રાહુલ ગાંધી જ્યારે અહીં આવ્યા ત્યારે એક ગરીબ મહિલાએ ચક્રવાતની સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી”. પુડુચેરીના લોકો તેમને આગામી ચૂંટણીઓમાં પાઠ ભણાવશે.

જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ પુડુચેરીની મુલાકાતે જવાના છે. તે જ સમયે, ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાજ્યપાલ કિરણ બેદીને હટાવવાનો આદેશ આપ્યો હતો. તેમની જગ્યાએ, તેલંગાણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરરાજનને પ્રભાર સોંપાયો છે.