
એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા યુનાઇટેડ સ્ટેટ્સમાં 20 લાખથી વધુ વાહનોને રિકોલ કરી છે એટલે કે પાછી બોલાવી લીધી છે. ત્યારે આવું કેમ તમને પણ પ્રશ્ન થતો હશે ને કે શું ટેસ્લા બરાબર કામ નથી કરી રહી તો કંપની પોતાની કાર પાછી બોલાવી રહી છે?
તમને જણાવી દઈએ કે ઇલોન મસ્કની કંપની ટેસ્લા ઇન્કએ ટેક્નિકલ ખામીના કારણે તેના 20 લાખ વાહનો પાછા બોલાવ્યા છે. એલોન મસ્કની કંપનીના આ રિકોલમાં 2015થી યુ.એસ.માં વેચાયેલા મોડલનો સમાવેશ થાય છે, જેમાં ઓટોપાયલટ ફીચર સક્રિય છે. યુએસ ઓટો રેગ્યુલેટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓટોપાયલટ સિસ્ટમમાં ખામીને દૂર કરવા માટે આ ઇલેક્ટ્રિક વાહનોને પાછા બોલાવવામાં આવ્યા છે.
(video credit – Right To Siksha)
જ્યારે સેલ્ફ-ડ્રાઈવ મોડ એક્ટિવેટ થાય છે ત્યારે આ સિસ્ટમ ડ્રાઈવરને રસ્તા અને ટ્રાફિકની સ્થિતિ વિશે ચેતવણી આપવાનું કામ કરે છે. વાહનની આસપાસના પરિવહનનું મૂલ્યાંકન કરવા માટે ઓટોપાયલટ ટેકનોલોજી કેમેરા અને સેન્સરનો ઉપયોગ કરે છે. તે વાહનને સલામત લેનમાં રાખવા માટે રસ્તા પરના લેન માર્કિંગ પર પણ નજર રાખે છે. જો કે, ટીકાકારો શરૂઆતથી જ ટેસ્લાની ઓટોપાયલટ સિસ્ટમમાં ઘણી ખામીઓ દર્શાવી રહ્યા છે.
ટેસ્લાની ઓટોપાયલટ સિસ્ટમ વિવાદાસ્પદ રહી છે અને તેના કારણે અનેક અકસ્માતો થયા છે. યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) દ્વારા આવા અકસ્માતોની તપાસ શરૂ કર્યાના લગભગ 2 વર્ષ બાદ આ રિકોલ પણ કરવામાં આવી છે. NHTSA ને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે સેલ્ફ-ડ્રાઈવ મોડ એક્ટિવેટ થાય છે ત્યારે ડ્રાઈવરને એલર્ટ રાખવા માટે ઓટોપાયલટ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતા કાર્યો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા નથી. જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે.
કંપની રિકોલ કરાયેલા ઇલેક્ટ્રિક વાહનોમાં વધારાના નિયંત્રણ ચેતવણીઓ ઉમેરશે. આ સાથે, તે સોફ્ટવેર ઓવર ધ એર (OTA) ને પણ અપડેટ કરશે, જેથી ડ્રાઇવર ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સચેત રહી શકે. આ માટે કંપની ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલશે નહીં. કંપનીએ આ વર્ષે ત્રીજી વખત પોતાની કાર પરત મંગાવી છે. અગાઉ ઓક્ટોબર-2023માં ટેસ્લા મોડલ Xના 54,676 યુનિટ પાછા બોલાવવામાં આવ્યા હતા. પછી મોડલમાં આ સમસ્યાને ઠીક કરવા માટે, ટેસ્લાએ સૉફ્ટવેર ઓવર ધ એર અપડેટ કર્યું હતુ.