કોણ છે તીરંદાજ નીરજ ચૌહાણ, જે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં સાધશે નિશાન?

કોણ છે તીરંદાજ નીરજ ચૌહાણ, જે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં સાધશે નિશાન?
archer Neeraj Chauhan

જ્યારે કોરોના લોકડાઉનમાં હોસ્ટેલ બંધ થઈ તો, ત્યારે નીરજના પિતાએ નોકરી ગુમાવી દીધી હતી. આ પછી મજબૂરીમાં તેણે શાકભાજીની લારી કરવી પડી હતી. નીરજે પણ પિતાના કામમાં સહયોગ આપ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 31, 2022 | 1:26 PM


Archer Neeraj Chauhan Profile: ગરીબી વચ્ચે ઉછરેલા આવા ઘણા યુવાનો છે. જેમણે પોતાની મહેનત અને સમર્પણથી પોતાનું નામ બનાવ્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ચમક લાવી. આ સ્ટાર્સમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) રહેતા યુવા તીરંદાજ નીરજ ચૌહાણનું. કોરોના રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં (Corona Lockdown) જ્યારે તેના પિતાએ નોકરી ગુમાવી દીધી ત્યારે આર્થિક સંકડામણને કારણે નીરજ તેના પિતા સાથે લારીમાં શાકભાજી વેચતો હતો. પરંતુ તેમ કરતી વખતે પણ તેણે ધનુષ્યને પકડી રાખ્યું અને તીરંદાજીથી પોતાનું લક્ષ્ય વિચલિત ન થવા દીધું. આગામી દિવસોમાં નીરજ (Neeraj Chauhan) પ્રથમ વખત વિદેશની ધરતી પર દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે.

હકીકતમાં નીરજે રવિવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), સોનીપતમાં આયોજિત એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપની રિકર્વ ઈવેન્ટના ટ્રાયલ્સમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તે ટ્રાયલ્સમાં દેશમાં બીજા સ્થાને રહ્યો હતો અને તીરંદાજી વર્લ્ડ કપ સહિત એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું છે. નીરજે એશિયન ગેમ્સ માટે ચાલી રહેલી સિલેક્શન ટેસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સાથે નીરજને વર્ષના અંતમાં યોજાનારી વર્લ્ડ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે તૈયાર છે.

પિતાજીને કામમાં આપ્યો સહયોગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીરજના પિતા અક્ષય લાલ કૈલાશ પ્રકાશ સ્પોર્ટ્સ સ્ટેડિયમની હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. મોટો પુત્ર સુનીલ ચૌહાણ (જે હવે રાષ્ટ્રીય બોક્સર છે) અને નાનો પુત્ર નીરજ પણ તેની સાથે સ્ટેડિયમમાં રહેતા હતા. બંને ભાઈઓને રમત-ગમતમાં રસ હતો. તેથી આર્થિક સ્થિતિને જોતા અધિકારીઓએ તેમના રહેવા, ભોજન અને તાલીમની મફત વ્યવસ્થા કરી. જ્યારે કોરોના લોકડાઉનમાં હોસ્ટેલ બંધ હતી, ત્યારે નીરજના પિતાએ નોકરી ગુમાવી દીધી હતી. આ પછી મજબૂરીમાં તેણે શાકભાજીની લારી કરવી પડી. નીરજે પણ પિતાના કામમાં સહયોગ આપ્યો હતો.

સરકારી સહાય

નીરજ પાસે તીરંદાજી માટેના સાધનો નહોતા. પરિવારની આર્થિક સ્થિતિ જોઈને તીરંદાજી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI)ના પ્રમુખ અર્જુન મુંડાએ ટ્વિટ કરીને ખેલ મંત્રીને મદદ કરવા વિનંતી કરી. આ પછી નીરજ અને તેના ભાઈ સુનીલ (રાષ્ટ્રીય બોક્સર)ને રમત મંત્રાલયના પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ફંડમાંથી 5-5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી. આ પછી નીરજે રમતના આધુનિક સાધનો ખરીદ્યા. ડાયટનું ધ્યાન રાખીને નીરજે સ્ટેડિયમમાં જ ટ્રેનિંગ ચાલુ રાખી અને પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો. 22 માર્ચે જમ્મુમાં આયોજિત સિનિયર નેશનલ તીરંદાજીમાં નીરજે ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સ્પોર્ટ્સ ક્વોટામાંથી ITBPમાં મળી નોકરી

નીરજે 8 વર્ષ પહેલા તીરંદાજીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તીરંદાજી કોચ સ્ટેડિયમમાં રહે કે ના રહે, તે પ્રેક્ટિસ કરવાનું ચૂક્યા નહોતા. 2018માં અને ફરીથી 2021માં નીરજે પુણે અને દેહરાદૂનમાં અનુક્રમે જુનિયર નેશનલ અને સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ જીત્યો. 18 વર્ષની ઉંમરે તેને સ્પોર્ટ્સ ક્વોટામાંથી ITBPમાં કોન્સ્ટેબલના પદ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેનો ભાઈ સુનીલ બોક્સિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છે. જ્યારે તેના પિતા સ્ટેડિયમની બહાર હોટલ ચલાવે છે. નીરજ કહે છે કે, તેનું લક્ષ્ય દેશ માટે મેડલ જીતવાનું અને પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનું છે.

નીરજ આ સ્પર્ધાઓમાં લેશે ભાગ

  1. વર્લ્ડ કપ ફેઝ-1: એપ્રિલ 17-24, અંતાલ્યા, તુર્કી
  2. વર્લ્ડ કપ ફેઝ-2: મે 15-22, શાંઘાઈ, ચીન
  3. વર્લ્ડ કપ ફેઝ-3: જૂન 19-26, પેરિસ, ફ્રાન્સ
  4. એશિયન ગેમ્સ: સપ્ટેમ્બર 10-25, હાંગઝોઉ, ચીન

શું છે આ સ્કીમ, જેનાથી નીરજને મળી મદદ?

નીરજને પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ નિધિ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રમત મંત્રાલયની યોજનામાંથી મદદ મળી છે. આ યોજના હેઠળ જે ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખરાબ છે તેમને આર્થિક મદદ કરવામાં આવે છે. આ અંતર્ગત મેડિકલ, રમત-ગમતના સાધનોની ખરીદી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ વગેરે માટે અનુદાન આપવામાં આવે છે. એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2022 સુધીમાં 78 ખેલાડીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચને 2 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે. નીરજ કહે છે કે, નાણાકીય સહાય મળ્યા પછી, તે તેના તીરંદાજી સાધનોને અપગ્રેડ કરવામાં સફળ રહ્યો છે. જેનો તે હાલમાં તાલીમ દરમિયાન ઉપયોગ કરી રહ્યો છે.

આ પણ વાંચો:  Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: Sports Budget 2022: કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ બજેટમાં બમ્પર વધારો કર્યો, ખેલો ઈન્ડિયા ગેમ્સ પર પણ મહેરબાન


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati