બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને ભારતીય કુસ્તી ટીમમાં ન મળ્યું સ્થાન
પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનાર બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને ક્રોએશિયાની રાજધાનીમાં આયોજિત થનારી કુસ્તી ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું નથી. ત્રણેય રેસલર પોતે બહાર થયા છે કે પછી તેમની પસંદગી કરવામાં નથી આવી, આનો જવાબ હજી મળ્યો નથી.

ભારતીય રેસલિંગ ફેડરેશનની એડ-હોક કમિટીએ ક્રોએશિયામાં યોજાનારી ઝાગ્રેબ ઓપન માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ક્રોએશિયાની રાજધાનીમાં આયોજિત થનારી પ્રથમ વિશ્વ રેન્કિંગ ટૂર્નામેન્ટ 10 થી 14 જાન્યુઆરી સુધી ચાલશે. હાલ WFI ભારતીય ઓલિમ્પિક સંઘની ત્રણ સભ્યોની સમિતિ દ્વારા ચલાવવામાં આવે છે. હાલ સમિતિના વડા ભૂપિન્દર સિંહ બાજવા છે.
13 કુસ્તીબાજો ટીમમાં સામેલ
ભૂપિન્દર સિંહ બાજવાએ કહ્યું હતું કે , ‘વિદેશ મંત્રાલયે સમયસર હસ્તક્ષેપ કર્યો જેના કારણે હવે 25 ભારતીયોને વિઝાની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ઝાગ્રેબ જવાનો મોકો મળ્યો છે. ટીમને વિઝા અપોઈન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી પરંતુ વિદેશ મંત્રાલયે મદદ કરી. ક્રોએશિયન રેસલિંગ ફેડરેશનના જનરલ સેક્રેટરી ટીન બ્રેગોવિકે 13 કુસ્તીબાજો, નવ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને ત્રણ રેફરીને આમંત્રણ આપ્યું છે.
ઓલિમ્પિકમાં રમવાના દાવેદારોને મળી તક
WFI પ્રમુખ ભૂપિન્દર સિંહ બાજવાએ વધુમાં કહ્યું હતું કે, અમે સુનિશ્ચિત કર્યું છે કે જે કુસ્તીબાજો ઓલિમ્પિકમાં રમવાના દાવેદાર છે તેમને તક મળે. અમને ખાતરી છે કે ઝાગ્રેબમાં રમતા કુસ્તીબાજો એપ્રિલમાં યોજાનારી એશિયન ક્વોલિફિકેશન અને મેમાં વર્લ્ડ ક્વોલિફિકેશન માટે નક્કર તૈયારીઓ કરશે.
પૂનિયા, મલિક, ફોગાટનું શું થયું?
આ દરમિયાન એ જાણી શકાયું નથી કે ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનાર બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટનું શું થયું? તેઓ પોતે ટીમની બહાર રહ્યા કે પછી તેમની પસંદગી કરવામાં નથી આવી, આનો જવાબ હજી મળ્યો નથી.
13 સભ્યોની ટીમ:
મેન્સ ફ્રીસ્ટાઈલ: સુમિત (125 કિગ્રા), વિકી (97 કિગ્રા), દીપક પુનિયા (86 કિગ્રા), યશ (74 કિગ્રા), અમન (57 કિગ્રા)
ગ્રીકો રોમન: નવીન (130 કિગ્રા), નરિન્દર ચીમા (97 કિગ્રા), સુનીલ કુમાર (87 કિગ્રા), વિકાસ (77 કિગ્રા), નીરજ (67 કિગ્રા), જ્ઞાનેન્દ્ર (60 કિગ્રા)
મહિલા ટીમ: રાધિકા (68 કિગ્રા) અને સોનમ (62 કિગ્રા).
કોચિંગ અને સપોર્ટ સ્ટાફ: કુલદીપ સિંહ (ટીમ હેડ અને કોચ), વિનોદ કુમાર, સુજીત, શશિ ભૂષણ પ્રસાદ, મનોજ કુમાર, વિરેન્દ્ર સિંહ, અલકા તોમર (કોચ), વિશાલ કુમાર રાય (ફિઝિયો), નીરજ (માલશેર)
રેફરી: સત્ય દેવ મલિક, દિનેશ ધોંડીબા, સંજય કુમાર
આ પણ વાંચો : IND vs SA: આફ્રિકાને માત્ર 55માં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ
