
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયાકપની સુપર ફોર રાઉન્ડની અંતિમ મેચ રમાઈ રહી છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર આ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ સુકાની રોહિત શર્માએ બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમમાં આજે મોટો ફેરફાર કર્યો હતો. ભારત માટે શુક્રવારની મેચ ઔપચારિકતા હોવાને લઈ અન્ય યુવા ખેલાડીઓને આજે વધારે તક આપવામાં આવી હતી. બાંગ્લાદેશે 8 વિકેટ ગુમાવીને 265 રન નિર્ધારીત 50 ઓવરમાં નોંધાવ્યા હતા.
રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચનો જંગ થનારો છે. એશિયા કપમાંથી પાકિસ્તાન શ્રીલંકા સામે હારીને બહાર થઈ ચુક્યુ છે, આમ શ્રીલંકા હવે ફાઈનલમાં પહોંચતા રવિવારે ભારત સામે ટકરાશે. ભારતીય ટીમે આ પહેલા ટીમમાં યુવા ખેલાડીઓને મેદાનમાં ઉતારીને પ્રયોગ કર્યો છે. જ્યારે કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની શરુઆત નબળી રહી હતી. શમી અને શાર્દૂલ ઠાકુરે શરુઆતમાં જ બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને ઝડપથી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 13 રનના સ્કોર પર જ લિટ્ટન દાસના રુપમાં પ્રથમ શિકાર મોહમ્મદ શમીએ કર્યો હતો. દાસ શૂન્ય રને જ બોલ્ડ થઈને પરત ફર્યો હતો. તાંઝીદ હસન 13 રન નોંધાવીને ચોથી ઓવરના પ્રથમ બોલ પર ઠાકુરનો શિકાર બન્યો હતો. ઠાકુરે તેને બોલ્ડ કર્યો હતો. હસન 12 બોલનો સામનો કરીને 13 રન નોંધાવી આઉટ થયો હતો. અનામુલ હક 11 બોલનો સામનો કરી 4 રન નોંધાવી ઠાકુરના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. મહેંદી હસન મિરાજ 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ 58 રનમાં જ ચાર વિકેટ બાંગ્લાદેશે ગુમાવી હતી.
બાદમાં શાકીબ અલ હસને સુકાની તરીકે સ્કોર બોર્ડની જવાબદારી સ્વિકારી લીધી હતી. તેણે અડધી સદી નોંધાવી હતી, સુકાની હસને 85 બોલનો સામનો કરીને 80 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા જમાવ્યા હતા. કેપ્ટન ઈનીંગે ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. મોહમ્મદ તોહીદ હ્રદોયે સુકાની શાકીબને સાથ પુરાવતી અડધી સદી ધીમી ગતિએ નોંધાવી હતી. બંને વચ્ચે મહત્વની 101 રનની ભાગીદારી નોંધાઈ હતી. અંતમાં નૌસુમ અહેમદે 44 રન નોંધાવ્યા હતા.
Published On - 6:42 pm, Fri, 15 September 23