મહેન્દ્ર સિંહ ધોની સાથે થઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની સામે કર્યો કેસ
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટને આ કેસ રાંચી કોર્ટમાં મિહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસની સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની આર્કા પર કર્યો છે. દિવાકરે ધોની સાથે મળીને 2017માં એક કરાર કર્યો હતો, જેની હેઠળ તે વૈશ્ચિક સ્તર પર ક્રિકેટ એકેડમી સ્થાપિત કરવાના હતા પણ દિવાકર એવુ કરી શક્યો નહીં.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની સામે ક્રિમિનલ કેસ કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટને આ કેસ રાંચી કોર્ટમાં મિહિર દિવાકર અને સૌમ્ય વિશ્વાસની સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની આર્કા પર કર્યો છે. દિવાકરે ધોની સાથે મળીને 2017માં એક કરાર કર્યો હતો, જેની હેઠળ તે વૈશ્ચિક સ્તર પર ક્રિકેટ એકેડમી સ્થાપિત કરવાના હતા પણ દિવાકર એવુ કરી શક્યો નહીં. આ કરાર હેઠળ આર્કાને ફ્રેન્ચાઈઝી ફી આપવાની હતી અને સાથે જ કરાર મુજબ નફાને પણ વહેંચવાનો હતો પણ એવું થઈ શક્યુ નહીં, તે કારણે ધોનીએ આ કેસ કર્યો છે.
ઘણા પ્રયત્નો બાદ કરારની શરતોને પૂરી કરવામાં આવી શકી નથી. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ આર્કા સ્પોર્ટસ મેનેજમેન્ટ પાસેથી ઓથોરિટી લેટર લઈ લીધો અને તેને ઘણી લીગલ નોટિસ મોકલી, વિધિ એસોસિએટ્સ તરફથી એમએસ ધોનીનું પ્રતિનિધિત્વ કરી રહેલા દયાનંદ સિંહે કહ્યું છે કે આર્કા સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપનીના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.
ધોનીના મિત્રએ પણ કરી ફરિયાદ
ત્યારે ધોનીના મિત્ર સિમાંત લોહાનીએ પણ દિવાકરની સામે કેસ દાખલ કરાવ્યો છે અને કહ્યું છે કે આર્કા સ્પોર્ટસ મેનેજમેન્ટ સામે કાયદાકીય પગલુ લીધા બાદ મિહિર દિવાકરે તેમને ધમકી આપી અને અપશબ્દો કહ્યા છે. ધોની નવા વર્ષની ઉજવણી માટે દુબઈ ગયો હતો અને તાજેત્તરમાં તે દુબઈથી પરત ફર્યો છે અને ત્યારબાદ આ પગલુ ઉઠાવ્યુ છે.
આઈપીએલ પર છે નજર
ધોની હવે નવા વર્ષની ઉજવણી કર્યા બાદ ભારત પરત ફર્યો છે. દુબઈમાં તેમની સાથે ઋષભ પંત પણ હતો. ધોનીએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી અને તે આઈપીએલ રમે છે. આઈપીએલમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરે છે અને 5 વખત IPLનો ખિતાબ જીતી ચૂક્યા છે. દર વર્ષે ધોની વિશે કહેવામાં આવે છે કે આ સિઝન તેમની છેલ્લી સિઝન હશે પણ તેવુ થતું નથી. ગયા વર્ષે પણ આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી પણ ધોની આઈપીએલ 2024માં ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરતો જોવા મળશે.
