
જેમીમા રોડ્રિગ્ઝનું નામ ભારતીય મહિલા ક્રિકેટમાં એક મોટું નામ બની ગઈ છે, હવે તેનું નામ ક્યારેય ભૂલાશે નહીં તેવું બની ગયું છે. 2025 મહિલા ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને રેકોર્ડબ્રેક જીત અપાવ્યા પછી, જેમીમાએ ક્રિકેટ ચાહકોના હૃદય અને મનમાં હંમેશા માટે પોતાનું સ્થાન બનાવી લીધું છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં જેમીમાએ જે સફળતા મેળવી તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની ક્ષણ જ નહીં, પરંતુ તેના પિતા માટે પણ ગર્વની ક્ષણ હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પછી જ્યારે પિતા અને પુત્રી મળ્યા, ત્યારે તે ક્ષણ ભાવનાત્મક બની ગઈ.
ટીમ ઈન્ડિયાની સામે એક મોટો ટાર્ગેટ હતો. આ વચ્ચે જેમિમાએ સ્મૃતિ મંધાનાની વિકેટ પડ્યા પછી જવાબદારી તેમના માથે લીધી હતી. હરમનપ્રીત કૌરની સાથે તેની શાનદાર પાર્ટનરશિપ હતી. બંન્ને વચ્ચે 150થી વધારે રનની પાર્ટનરશીપ થઈ હતી. હરમનપ્રીતે 88 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ પર જેમિમાએ બેટિંગની જવાબદારી સંભાળી હતી. તેમણે 42મી ઓવરમાં પોતાની સદી પુરી કરી હતી. તેની આ સદી હંમેશા યાદ રાખવામાં આવશે. હરમનપ્રીત કૌર સિવાય મહિલા વર્લ્ડકપમાં નોકઆઉટ મેચમાં સદી ફટકાવનારી બીજી બેટ્સમેન છે.
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે. તેમણે મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.આ સાથે સંકટના સમયે જેમિમાએ પોતાના કરિયર કે વર્લ્ડકપ જ નહી પરંતુ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક શાનદાર સ્ક્રિપ્ટ લખી છે.
નંબર 3 પર રમવા ઉતરેલી જેમિમા રોડ્રિગ્ઝ છેલ્લે સુધી અણનમ રહી અને ફાઇનલમાં પોતાની ટીમનું સ્થાન સુરક્ષિત રાખ્યું. ભારતને જીતવા માટે 339 રનની જરૂર હતી, પરંતુ તેમણે 48.3 ઓવરમાં 5 વિકેટે 341 રન બનાવી લીધા. જેમીમા રોડ્રિગ્ઝે 134 બોલમાં 14 ચોગ્ગા સહિત 127 રનની અણનમ ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગ માટે, જેમીમાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.