વિશ્વ ક્રિકેટના મહાન સ્પિનર શેન વૉર્ન (Shane Warne) નું 52 વર્ષની વયે નિધન થઇ ગયું છે. શેન વોર્ની મેનેજમેન્ટ ટીમે ઓસ્ટ્રેલિયાના મીડિયાને એક નિવેદનમાં આ જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે શેન વૉર્ન થાઈલેન્ડમાં હતો અને તેનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જોકે મેડિકલ ટીમે તેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા પણ તેને બચાવી શક્યા ન હતા. શેન વૉર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે. મહત્વનું છે કે આજે સવારે (4 માર્ચ 2022) ઓસ્ટ્રેલિયાના (Cricket Australia) જ અન્ય એક દિગ્ગજ ક્રિકેટર રોડ માર્શનું નિધન થયું હતું અને શેન વોર્ને તેને સવારે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવપુર્ણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો શેન વોર્ન
શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાના મુરલીધર બાદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શેન વોર્નની ગણના વિશ્વના મહાન બોલરોમાં થાય છે. વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર 1969 માં જન્મેલા વોર્ને પોતાની કારકિર્દીમાં 145 ટેસ્ટ, 194 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ અને વન-ડે ક્રિકેટમાં કુલ 293 વિકેટ ઝડપી છે. તો ફર્લ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 1319 વિકેટ છે.
2007 માં વોર્ન-મુરલીધરન ટ્રોફીનું આયોજન થયું હતું
શેન વૉર્ને 1992 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી ટેસ્ટ મેચ તેણે ભારત સામે જ રમી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 145 ટેસ્ટ મેચ રમી છે જેમાં 708 વિકેટ ઝડપી છે. તો ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવામાં તેની આગળ શ્રીલંકાના મુરલીધરન છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપી છે. 2007 માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા ક્રિકેટને મુરલીધરણ અને શેન વૉર્નના નામ પર વોર્ન-મુરલીધરન ટ્રોફીનું આયોજન કર્યું હતું. શેન વૉર્ને 194 વન-ડે ક્રિકેટમાં કુલ 293 લોકોનો શિકાર કર્યો હતો.
ક્રિકેટની બાઇબલ કહેવામાં આવતી વિજ્ડનમાં શેન વૉર્નને 20મી સદીમાં પાંચ ક્રિકેટર્સમાંથી એક પસંદ કરવામાં આવ્યો હતો. 2013 માં તેને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું હતું. શેન વૉર્ને ઓસ્ટ્રેલિયાને 1999 માં વર્લ્ડ કપ જીતાડવા માટે મહત્વની ભુમીકા ભજવી હતી. તે વર્લ્ડ કપમાં તે સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તો એશિઝ સીરિઝમાં સૌથી વધુ 195 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે.
શેન વૉર્ને 150 રન આપ્યા બાદ પહેલી વિકેટ ઝડપી હતી
ક્રિકેટના દિગ્ગજ ગણાતા શેન વૉર્નને પહેલી વિકેટ માટે ઘણી રાહ જોવી પડી હતી. વૉર્ને પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વિકેટ લેવા માટે લાંબી રાહ જોવી પડી હતી. તેણે 150 રન આપ્યા બાદ પહેલી વિકેટ ઝડપી હતી. તો ક્રિકેટ કારકિર્દીમાં તેણે 38 વાર એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે એક મેચમાં 10 વાર 10 વિકેટ ઝડપી હતી. જ્યારે શેન વૉર્ન પહેલો ક્રિકેટર બન્યો હતો જેણે 600 અને 700 વિકેટ ઝડપી હતી.