
3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં શરુ થયેલી ભારત અને સાઉથ આફ્રીકાની ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં સમાપ્ત થઈ છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે શાનદાર જીત મેળવી છે.ટીમ ઈન્ડિયાએ સેન્ચુરિયન ટેસ્ટમાં મળેલી હારનો બદલો કેપ ટાઉનની ટેસ્ટમાં લીધો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રીકાને કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટથી માત આપી હતી. ટીમ ઈન્ડિયાએ ઈતિહાસમાં પહેલીવાર કેપટાઉનના મેદાનમાં જીત મેળવી છે. આ જીત સાથે સિરીઝ 1-1થી બરાબર થઈ છે.
સાઉથ આફ્રીકા સામે તરખાટ મચાવનાર મોહમ્મદ સિરાજ મેન ઓફ ધ મેચ બન્યો હતો. સિરાજે પ્રથમ ઈનિંગમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે વર્ષ 1993થી હમણા સુધી સાઉથ આફ્રીકા સામે એક પણ મેચ જીતી ન હતી. સિરીઝ ડ્રો કરીને ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકાનું ઘમંડ તોડયું છે.આશ્ચર્યજનક વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ માત્ર બે દિવસમાં જ આ ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે આ મેચમાં પ્રથમ બોલિંગ કરી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધુ.
જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા જેમાં વિરાટ કોહલીના 46 રન અને રોહિત શર્માના 39 રન ઉપયોગી હતા.ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિંગમાં 98 રનની લીડ મળી હોવા છતાં તેણે પોતાની ઈનિંગમાં શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ઈનિંગમાં કોઈ રન બનાવ્યા વિના તેની છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી હતી, જે ટેસ્ટ ઈતિહાસમાં એક રેકોર્ડ છે. બીજી ઈનિંગમાં એઈડન માર્કરામે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને એક ધાર અપાવી હતી.
મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને ભારત માટે જે ચમત્કાર કર્યો હતો, તે જ ચમત્કાર જસપ્રિત બુમરાહે બીજી ઈનિંગમાં કર્યો હતો અને તેણે પણ 6 વિકેટ ઝડપી હતી. બુમરાહના શાનદાર પાવરના કારણે સાઉથ આફ્રિકા બીજા દાવમાં 176 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે ટીમ ઈન્ડિયાને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો.
ભારતે બીજા દાવમાં પ્રવેશતાની સાથે જ આક્રમણ શરૂ કર્યું અને યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. યશસ્વી જયસ્વાલ 23 રન બનાવીને આઉટ થયો હતો, શુભમન ગિલ પણ 10 રન બનાવીને આઉટ થયો હતો અને વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા અંત સુધી ઉભા રહ્યા અને ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ ગયા.
આ પણ વાંચો : અમદાવાદના જસપ્રિત બુમરાહે સાઉથ આફ્રિકાના 6 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા
Published On - 5:05 pm, Thu, 4 January 24