IPL 2023 હવે તેના અંતની નજીક પહોંચી ચૂકી છે. આ દરમિયાન હવે પ્લેઓફની રેસ પણ જબરદસ્ત બની છે અને હવે નજર અંતિમ 4 કઈ ટીમ હશે તેની પર છે. રવિવારે ડબલ હેડર દિવસની પ્રથમ મેચ જબરદસ્ત હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરમાં ટક્કર થઈ હતી. આ મેચમાં રાજસ્થાન સામે બેંગ્લોરે 112 રનથી વિશાળ અંતરે જીત મેળવી હતી. રાજસ્થાને શરમજનક હાર પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર મેળવી હતી.
બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ગ્લેન મેક્સવેલ અને સુકાની ફાફ ડુપ્લેસીની અડધી સદી વડે 171 રનનો સ્કોર 5 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. રાજસ્થાનની ટીમ આ લક્ષ્ય સામે માત્ર 59 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
બેંગ્લોરે 112 રનથી જીત રાજસ્થાન સામે મેળવી હતી. 10.3 ઓવરમાં જ રાજસ્થાનની ટીમ સમેટાઈ ગઈ હતી. આમ બેંગ્લોરને મોટી જીત મળી હતી. આ સાથે જ પોતાના રનરેટમાં સુધારો થયો હતો અને 2 પોઈન્ટ્સ મળ્યા હતા. બેંગ્લોરે આ જીત સાથે એક રેકોર્ડ નોંધાવ્યો હતો. બેંગ્લોર આઈપીએલમાં એકમાત્ર ટીમ બની છે કે, જે અત્યાર સુધીમાં 100 કે તેથી વધુ રનથી જીત ટૂર્નામેન્ટમાં મેળવી શકી હોય . બેંગ્લોરની ટીમે ચાર વાર મોટી જીત પોતાને નામે કરી છે.
આ પ્રકારે 4 વાર 100 કે તેથી વધુ વાર જીત મેળવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક માત્ર છે. જ્યારે સિઝનમાં આ પ્રથમ જીત છે. આ પહેલા બેંગ્લોરે પુણે વોરિયર્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત લાયન્સ ટીમને 100 કે તેથી વધુ રનથી હાર આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં 100 કે તેથી વઘારે રનથી જીત મેળવવાની યાદીમાં બીજા ક્રમે છે. મુંબઈ આ કમાલ અત્યાર સુધીમાં 2 વાર કરી ચુકી છે. જ્યારે આઈપીએલમાં 100 કે તેથી વધારે અંતરથી જીત મેળવવામાં આવી હોય એવુ 10 વાર બન્યુ છે.
અત્યાર સુધીમાં સૌથી મોટી જીત હોમ ગ્રાઉન્ડની બહાર બેંગ્લોરે આ મોટી જીત મેળવી છે. આ પહેલા 82 રનથી શારજાહમાં કોલકાતા સામે જીત મેળવી હતી. જ્યારે ઓવર ઓલ સૌથી મોટી જીત 144 રને ગુજરાત લાયન્સ સામે મેળવી છે.
Published On - 9:25 pm, Sun, 14 May 23