પાકિસ્તાન ટીમથી બહાર કરી દેવાતા રોષે ભરાયેલા શોએબ મલિકે માર્યો યૂ ટર્ન, હવે બાબર આઝમને નાનો ભાઈ ગણાવ્યો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Avnish Goswami

Updated on: Dec 09, 2022 | 11:22 AM

ટી20 વિશ્વકપની ટીમમાં પાકિસ્તાને તેમની ક્રિકેટ ટીમમાં શોએબ મલિકનો સમાવેશ કર્યો નહોતો. ટીમની બહાર રાખવાને લઈ તે રોષે ભરાયો હતો નારાજગી પણ દર્શાવી હતી.

પાકિસ્તાન ટીમથી બહાર કરી દેવાતા રોષે ભરાયેલા શોએબ મલિકે માર્યો યૂ ટર્ન, હવે બાબર આઝમને નાનો ભાઈ ગણાવ્યો
Shoaib Malik એ પસંદગી નહીં થતા નારાજગી દર્શાવી હતી

પાકિસ્તાન ક્રિકેટ માં સતત વિવાદો વર્તાતા રહે છે. કોઈ ખેલાડીનુ સિલેક્શન ટીમમાં થાય તો પણ અને ના થાય તો પણ વિવાદ વર્તાતો રહેશે. એક મત મુજબની વિવાદ વિનાની વાત ભાગ્યેજ જોવા મળતી હોય છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની પસંદગી ગત ટી20 વિશ્વકપ 2022 માટે કરવામાં આવી હતી, ત્યારે પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો. પાકિસ્તાનના જ અનેક દિગ્ગજોએ પણ ટીમની પસંદગીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. શોએબ મલિકને વિશ્વકપની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને બહાર રાખવાના નિર્ણય પર પણ ચાહકો અને તે પોતે પણ ખૂબ જ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. શોએબે તો ટીમની પસંદગીને લઈ સોશિયલ મીડિયા પર નિશાન પણ તાક્યા હતા.

ટી20 વિશ્વકપ 2022 માં ભારત સામેની હાર સાથે જ ટીમની શરુઆતને લઈ પાકિસ્તાનમાં હંગામો મચવા લાગ્યો હતો. ટીમની પસંદગીને લઈને પહેલાથી જ ઉઠાવેલા સવાલોને લઈ ફરીથી પસંદગીકારો સામે સવાલોનો મારો કરી દેવામાં આવ્યો હતો. જોકે નસીબે સાથ આપતા પાકિસ્તાન જેમતેમ કરીને ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યુ હતુ. જ્યાં તેની કારમી હાર થઈ હતી. હવે જ્યારે વિશ્વકપમાં હાર થઈ ચૂક્યાને પણ મહિનાનો સમય વિતી ચુક્યો છે, ત્યારે હવે શોએબે પાકિસ્તાની સુકાની બાબર આઝમની સાથે સારા સંબંધો હોવાનો દાવો કર્યો છે.

શોએબ કહ્યુ-બાબરે બતાવ્યુ હતુ કઈ ટીમ વિશ્વકપ માટે જશે

ક્રિકેટ પાકિસ્તાન સાથેની વાતચીતમાં મલિકે પોતાના દિલની સ્થિતિ જણાવી અને કહ્યું કે તેને બાબરથી કોઈ નારાજગી નથી. તેણે કહ્યું, “બાબર આઝમે મને કહ્યું હતું કે માત્ર એશિયા કપની ટીમ જ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જશે. મને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું હતું પરંતુ બાબર આઝમ સાથે મારા સંબંધો સારા છે, એમ તેણે મને કહ્યું હતું”.

શોએબ મલિકે કેપ્ટનને નાનો ભાઈ ગણાવ્યો

શોએબે વધુમાં કહ્યું કે બાબર આઝમ તેના નાના ભાઈ જેવો છે અને તે હંમેશા તેની પડખે ઉભા રહેશે. તેણે કહ્યું, “બાબર આઝમ મારા નાના ભાઈ જેવા છે. તેની કારકિર્દીમાં જો કોઈ મદદની જરૂર પડશે તો હું તૈયાર રહીશ. હું આજે પણ છું અને ભવિષ્યમાં પણ બાબર આઝમની સાથે રહીશ. જો હું ટીમમાં સ્થાન ન મેળવી શક્યો તો કોઈ નારાજગી નથી. હું ઈચ્છું છું કે બાબર આઝમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખે અને ટીમના પ્રદર્શનને પણ ટોચ પર રાખે. તેની સાથે મારી નારાજગી જેવું ક્યારેય નહોતું”.

હવે શોએબ મલિકની પાકિસ્તાન ક્રિકેટમાં વાપસી મુશ્કેલ લાગી રહી છે. હાલમાં તે પાકિસ્તાન અને શ્રીલંકાની લીગમાં રમી રહ્યો છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેવી સંભાવનાઓ ધૂંધળી લાગી રહી છે. જોકે તે પાકિસ્તાન તરફથી ટી20 ફોર્મેટમાં રમવા માટેની ઈચ્છા અગાઉ જાહેર કરી ચુક્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati