
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં 2025 મહિલા વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ લખવા તૈયાર છે. આ સફળતાના સફરમાં અનેક ખેલાડીઓએ યોગદાન આપ્યું છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જેમિમા રોડ્રિગ્સની થઈ રહી છે. તેના શાનદાર પ્રદર્શન બાદ હાલમાં સોશિયલ મીડિયા પર એક જુની ટ્વીટ ફરી વાયરલ થઈ રહી છે. જે 2018ની છે અને તે લખી હતી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને.
18 એપ્રિલ 2018ના રોજ નાસિર હુસૈને ટ્વીટ કરી હતી કે, “આ છોકરીને જોતા જ લાગે છે કે તે ભવિષ્યમાં ભારત માટે મોટી સ્ટાર બનશે.” તે સમયે જેમિમા માત્ર 17 વર્ષની યુવા ખેલાડી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શરૂઆત કરી રહી હતી. ઘણા લોકો માટે તે માત્ર નવું નામ હતી, પરંતુ નાસિર હુસૈનની આ આગાહી આજે સાચી સાબિત થઈ રહી છે. 2025ના વર્લ્ડ કપ દરમિયાન જેમિમાએ અદ્ભુત બેટિંગ કરી ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ટુર્નામેન્ટ દરમિયાન જેમિમાએ સતત શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ગ્રૂપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ સામે તેની ફિફ્ટી ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી, જ્યારે સેમિફાઈનલમાં દબાણની પરિસ્થિતિમાં તેની શાંત અને સમજદારીભરી ઈનિંગે ભારતને ફાઈનલ સુધી પહોંચાડ્યું. તેની ટેકનિક, આત્મવિશ્વાસ અને ટીમ માટે જીતની ચાહ ભારતીય ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
Nasser Hussain always knew
Seven years later, Jemimah Rodrigues played a knock for the world to remember #CWC25 | #INDvAUS pic.twitter.com/afxEJHfwxo
— ICC (@ICC) October 31, 2025
હાલમાં જેમિમા રોડ્રિગ્સ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં છે. ચાહકો નાસિર હુસૈનની 2018ની ટ્વીટને શેર કરીને લખી રહ્યા છે કે “નાસિર સાચા ફોરકાસ્ટર નીકળ્યા!” કારણ કે જેમિમા હવે ખરેખર ભારતની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બની ગઈ છે. ઘણા ક્રિકેટ વિશ્લેષકો માને છે કે જેમિમાની સાથે ભારતીય મહિલા ક્રિકેટનો નવો યુગ શરૂ થયો છે.
રવિવારે નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ફાઈનલ મેચમાં જેમિમા પર સૌની નજર છે. જો તે ફરી એકવાર પોતાના બેટથી ચમત્કાર કરશે, તો ભારત પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીતશે. આ સિદ્ધિ માત્ર ભારતીય ટીમ માટે નહીં, પરંતુ નાસિર હુસૈનની 2018ની આગાહી માટે પણ એક પ્રતીકાત્મક જીત બની રહેશે.
આ પણ વાંચો: IND W vs SA W Final: વર્લ્ડ કપ ફાઈનલમાં વરસાદ ખલનાયક બનશે? નવી મુંબઈમાં આવું રહેશે હવામાન