
IPL સ્પોટ ફિક્સિંગ કેસમાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પર ગંભીર આરોપો લગાવનારાઓ માટે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. હકીકતમાં, મદ્રાસ હાઈકોર્ટે ધોની દ્વારા દાખલ કરાયેલા 10 વર્ષ જૂના માનહાનિના કેસમાં સુનાવણી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ધોનીએ બે મોટા મીડિયા સંગઠનો, એક પ્રખ્યાત પત્રકાર અને નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમાર સામે 100 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી સાથે આ કેસ દાખલ કર્યો હતો.
એવો આરોપ છે કે આ લોકોએ IPL સટ્ટાબાજી કૌભાંડમાં ધોનીનું નામ ખેંચ્યું હતું. સોમવારે, જસ્ટિસ સી.વી. કાર્તિકેયનએ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી છે જે ચેન્નાઈમાં તમામ પક્ષકારો અને તેમના વકીલો માટે અનુકૂળ જગ્યાએ ધોનીના પુરાવા રેકોર્ડ કરશે. એડવોકેટ કમિશનરની નિમણૂક એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ધોની એક સેલિબ્રિટી હોવાને કારણે, તેની વ્યક્તિગત હાજરીથી હાઈકોર્ટમાં અવ્યવસ્થા પેદા થઈ શકે છે.
ધોનીએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે 2014 થી પેન્ડિંગ માનહાનિ કેસની સુનાવણી આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે તે 20 ઓક્ટોબર, 2025 થી 10 ડિસેમ્બર, 2025ની વચ્ચે ઉલટતપાસ માટે ઉપલબ્ધ રહેશે. ધોનીએ સોગંદનામામાં કહ્યું છે કે, ‘હું એડવોકેટ કમિશનરને સંપૂર્ણ સહયોગ કરીશ અને કેસ અને પુરાવા દાખલ કરવા અંગે જારી કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરીશ.’
તમને જણાવી દઈએ કે, કેસની સુનાવણી 10 વર્ષથી વધુ સમય માટે વિલંબિત રહી હતી કારણ કે પક્ષકારોએ વિવિધ રાહતો માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. ડિસેમ્બર 2023માં, ન્યાયાધીશ એસ.એસ. સુંદર અને સુંદર મોહનની ડિવિઝન બેન્ચે નિવૃત્ત આઈપીએસ અધિકારીને ફોજદારી અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો અને તેમને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે, 2024માં, સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી.
IPL સ્પોટ ફિક્સિંગ કેસ વર્ષ 2013માં થયો હતો. આ કેસમાં શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવ્હાણ જેવા ખેલાડીઓ સંડોવાયેલા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. આ કેસ પછી, રાજસ્થાન અને ચેન્નાઈ પર IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Asia Cup 2025 : હાર્દિક પંડયાના રમવા પર સસ્પેન્સ ! સૂર્યા-શ્રેયસ પર આવ્યું મોટું અપડેટ