IPL 2022: પેટ કમિન્સે માત્ર 15 બોલમાં 56 રન બનાવીને કોલકાતાને જીત અપાવી, મુંબઈની સતત ત્રીજી હાર

કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમની આ સતત ત્રીજી હાર સાથે ટેબલમાં 9માં સ્થાને પહોંચ્યું.

IPL 2022: પેટ કમિન્સે માત્ર 15 બોલમાં 56 રન બનાવીને કોલકાતાને જીત અપાવી, મુંબઈની સતત ત્રીજી હાર
Pat Cummins (PC: IPLt20.com)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Apr 06, 2022 | 11:45 PM

કોલકાતા નાઈટ રાઈડર્સના (Kolkata Knight Riders) ફાસ્ટ બોલર પેટ કમિન્સ (Pat Cummins) એ આઈપીએલ 2022 માં તેની પ્રથમ મેચ રમી અને બોલને બદલે બેટથી તબાહી મચાવી. પેટ કમિન્સની આક્રમક ઇનિંગને પગલે ટીમની શાનદાર જીત થઇ. IPL ઈતિહાસની સૌથી તોફાઇ ઇનિંગ્સમાંની એક રમતા માત્ર 15 બોલમાં 56 રન ફટકારીને, કમિન્સે એકલા હાથે મુંબઈને 5 વિકેટથી હરાવ્યું. કોલકાતા મુંબઈ તરફથી મળેલ 162 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહ્યું હતું. પેટ કમિન્સે માત્ર 1 ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 35 રન બનાવીને મેચ કોલકાતાના પક્ષમાં મૂકી દીધી હતી. આ સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે પહેલા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ સતત ત્રીજી હાર બાદ નવમા સ્થાને સરકી ગયું છે.

કોલકાતા આ મેચમાં એક સમયે પાછળ દેખાઈ રહ્યું હતું અને ટીમનો સ્કોર 14 ઓવર પછી 5 વિકેટે 115 રન હતો. આ સમયે પેટ કમિન્સે આવીને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ બુમરાહની ઓવર આવી અને વેંકટેશ અય્યરે પ્રથમ બોલ પર જ લડાયક અડધી સદી પૂરી કરી. પેટ કમિન્સે ફરીથી આ ઓવરનો અંત છગ્ગા અને ચોગ્ગા સાથે કર્યો. કોલકાતાને અહીથી 5 ઓવરમાં 35 રનની જરૂર હતી. પરંતુ કમિન્સે 16મી ઓવરમાં એકલા ડેનિયલ સેમ્સની ઓવરમાં 35 રન ફટકારીને બધાને ચોંકાવી દીધા અને મેચ 4 ઓવર પહેલા જ ખતમ કરી દીધી. આ ઓવરમાં કમિન્સે 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા અને પોતાની અડધી સદી પણ પૂરી કરી.

ટાર્ગેટ બહુ મોટો ન હતો. પરંતુ છેલ્લી 2 મેચોની સરખામણીએ આ વખતે મુંબઈના બોલરોએ સારી શરૂઆત કરી અને પ્રથમ 4 ઓવરમાં માત્ર 14 રન જ આપ્યા. તેનું દબાણ દેખાડવામાં આવ્યું અને ઓપનર અજિંક્ય રહાણે શોર્ટ બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો. સુકાની શ્રેયસ અય્યરે આવતાની સાથે જ બે ચોગ્ગા ફટકાર્યા. પરંતુ રહાણેની જેમ તેણે પણ શોર્ટ બોલ પર વિકેટ આપી. સેમ બિલિંગ્સ અને વેંકટેશ અય્યર વચ્ચેની ભાગીદારી શાનદાર રહી હતી અને કેટલાક મોટા શોટ પણ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુરુગન અશ્વિન બિલિંગ્સને પેવેલિયન પરત ફર્યો હતો.

10મી ઓવર સુધી 3 વિકેટ ગુમાવનાર કોલકાતાને આગામી 3 ઓવરમાં સૌથી મોટો આંચકો લાગ્યો હતો. નીતિશ રાણા અને આન્દ્રે રસેલ માત્ર 10 બોલમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. જેના કારણે કોલકાતા માટે લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

મુંબઈની શરૂઆત પણ ખરાબ રહી હતી

આ પહેલા ફરી એકવાર કોલકાતા માટે ઉમેશ યાદવનો પાવરપ્લે શાનદાર બોલિંગમાં સફળતા અપાવ્યો હતો. મુંબઈનો સુકાની રોહિત શર્મા ઉમેશ સામે જરા પણ આરામદાયક ન લાગ્યો અને ત્રીજી ઓવરમાં માત્ર 3 રન બનાવીને ઉમેશનો શિકાર બન્યો. મુંબઈએ 18 વર્ષીય દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવલ્ડ બ્રેવિસને મોકલ્યો. જે અહીં ડેબ્યૂ કરી રહ્યો હતો. બેબી એબીના નામથી પ્રખ્યાત આ યુવા બેટ્સમેને આવતાની સાથે જ આક્રમક અને શાનદાર શોટ બનાવવાનું શરૂ કર્યું અને મુંબઈના સ્કોરને ગતિ આપી. તે 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

સુર્ય કુમારે પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી

પ્રથમ 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 2 વિકેટે 54 રન હતો. સતત બે મેચમાં અડધી સદી ફટકારનાર ઈશાન કિશન (21 બોલમાં 14 રન) આ વખતે ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ઈજા બાદ પુનરાગમન કરનાર સૂર્યકુમારે એડજસ્ટ થવામાં સમય લીધો હતો. આ દરમિયાન અજિંક્ય રહાણેએ ઉમેશ યાદવની છેલ્લી ઓવરમાં તિલક વર્માનો સરળ કેચ છોડ્યો હતો. ત્યારે તિલક ત્રણ રન પર હતો. આ ભૂલ કોલકાતા માટે ભારે પડી હતી અને સૂર્ય-તિલકે ચોથી વિકેટ માટે 83 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. સૂર્યાએ 34 બોલમાં અડધી સદી ફટકારી હતી.

અંતિમ ઓવરમાં પોલાર્ડની તોફાની ઇનિંગ

સૂર્યા કુમાર છેલ્લી ઓવરમાં પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. તેણે 36 બોલમાં 52 રન (5 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકાર્યા હતા. અંતે સૂર્યકુમારના આઉટ થયા બાદ ક્રિઝ પર ઉતરેલા કિરોન પોલાર્ડે આક્રમક ઇનિંગ રમી હતી. પોલાર્ડે કમિન્સ (2/49)ની છેલ્લી ઓવરમાં 3 છગ્ગા ફટકારીને 5 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. તે જ સમયે, 3 રનમાં જીવનદાન મેળવનાર તિલક વર્માએ ઉપયોગી ઇનિંગ રમી અને 38 રન (27 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા) પર અણનમ પરત ફર્યો.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત પાસેથી એક હાથે શોટ્સ રમતા શીખવા માંગુ છું: ડેવિડ વોર્નર

આ પણ વાંચો : ‘બાયો-બબલ’ યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati