રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નું IPL 2022 માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. લીગ સ્ટેજની મેચ સમાપ્ત થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. જોકે મુંબઈએ તેની છેલ્લી લીગ મેચમાં શાનદાર જીત મેળવી હતી. તેણે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 5 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં ખરાબ પ્રદર્શન છતાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. IPL ની આ સિઝનમાં 100થી વધુ સિક્સર મારનારી મુંબઈ પ્રથમ ટીમ બની છે.
મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ખેલાડીઓ સિક્સર મારવામાં માહિર છે. તમને જણાવી દઇએ કે આ સિઝનમાં ટીમના ખેલાડીઓએ કુલ 100 સિક્સર ફટકારી છે. ટિમ ડેવિડ (Tim David) એ મુંબઈ માટે આ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે 16 સિક્સર ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ પણ 14 મેચમાં 16 સિક્સર ફટકારી હતી.
IPL 2020 માં મુંબઈએ સૌથી વધુ સિક્સ ફટકારી છે. ટીમે કુલ 137 સિક્સર ફટકારી હતી. જ્યારે આ પહેલા વર્ષ 2019 માં 115 સિક્સર ફટકારી હતી. IPL 2018 માં મુંબઈના ખેલાડીઓએ 107 સિક્સ ફટકારી હતી. આ રીતે વર્ષ 2017 માં 117 સિક્સર, વર્ષ 2015 માં 120 સિક્સર અને વર્ષ 2013 માં 117 સિક્સર ફટકારવામાં આવી હતી.
મહત્વનું છે કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે IPL 2022 માં કુલ 14 મેચ રમી અને આ સમયગાળા દરમિયાન માત્ર 4 મેચ જીતી. જ્યારે તેને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તે આ સિઝનની પ્રથમ મેચથી લઈને 8મી મેચ સુધી સતત તમામ મેચ હારી હતી. રોહિતની કારકિર્દીની આ સૌથી ખરાબ IPL સિઝન હતી.
મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી દિલ્હીની ટીમ માત્ર 159 રન પર જ સિમિત રહી ગઈ હતી. રોવમેન પોવેલે 34 બોલમાં 43 અને રિષભ પંતે 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 3 અને રમનદીપ સિંહે 2 વિકેટ લીધી હતી.
જવાબમાં મુંબઈની ટીમે 5 બોલ બાકી રહેતા 160 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ઓપનર ઈશાન કિશને 35 બોલમાં 48 રન, ડીવાલ્ડ બ્રેવિસે 33 બોલમાં 37 અને ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.