ભારત અને થાઈલેન્ડ (India vs Thailand) વચ્ચે બાંગ્લાદેશમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ 2022 (Women Asia Cup 2022) ની સેમિફાઈનલ 1 માં સામ સામે છે. થાઈલેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય મહિલા ટીમ (Indian Women’s Cricket Team) ટોસ હારીને પ્રથમ બેટીંગ માટે આવી હતી. ઓપનીંગ જોડીએ 38 રન ભારત માટે જોડ્યા હતા. જોકે ઓપનર શેફાલી શર્મા (Shefali Verma) એ ક્રિઝ પર રહેવા દરમિયાન તોફાની અંદાજ અપનાવતા રન નોંધાવ્યા હતા. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 148 રન 6 વિકેટ ગુમાવીને થાઈલેન્ડ સામે નોંધાવ્યા હતા.
ભારતીય ટીમની ઓપનીંગ જોડીએ સારી શરુઆત કરાવી હતી. પરંતુ 38 રનના સ્કોર પર જ સ્મૃતિ મંધાનાની મહત્વની વિકેટ ભારતે ગુમાવી દીધી હતી. પ્રથમ વિકેટના રુપમાં તે પરત ફરી હતી. આ દરમિયાન તે 14 બોલનો સામનો કરીને 13 રન નોંધાવી આઉટ થઈ હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે બાદમાં શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્જે રમતને સંભાળી હતી. જોકે ભારતીય ટીમનો સ્કોર 67 રને પહોંચતા જ ભારતને બીજો ઝટકો લાગ્યો હતો.
શાનદાર રીતે રમત દર્શાવી રહેલ શેફાલી વર્મા બીજી વિકેટના રુપમાં પરત ફરી હતી. શેફાલીએ શરુઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે 28 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન શેફાલીએ 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમિમા પણ તેના બાદ ત્રીજી વિકેટના રુપમાં આઉટ થઈ હતી. જે વખતે ભારતે 100 રનનો આંક વટાવી લીધો હતો. જેમિમાએ 26 બોલમાં 27 રન નોંધાવ્યા હતા.
કેપ્ટન હરમનપ્રીત આ મેચનુ મહત્વ જાણતી હતી. તે ટીમના અને દેશના ક્રિકેટ ચાહકોના સપનાને આગળ વઘારવાનો પુરો પ્રયાસ કરતી જોવા મળી હતી. તેણે 30 બોલમાં 36 રન નોંધાવી ભારતીય ટીમનો સ્કોર લડાયક બનાવવા માટે પ્રયાસ કરીને બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર આજે ટીમ વતી હરમને નોંધાવ્યા હતો. રિચા ઘોષે માત્ર 2 રન અને દીપ્તિ શર્માએ માત્ર 3 રન નોંધાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 13 બોલમાં 1 છગ્ગા વડે 17 રન નોંધાવ્યા હતા. આમ ભારતે 6 વિકેટ ગુમાવીને 148 રનનો સ્કોર ખડક્યો હતો.
ભારતીય ટીમ એશિયા કપ ફાઈનલમાં પહોંચવાને ઉંબરે છે, ભારતીય બોલરોએ હવે બાકીનુ કામ કરવાનુ છે. થાઈલેન્ડની ટીમને ઝડપથી સમેટી લઈને ભારતને ફાઈનલમાં પહોંચાડી શકે છે. ભારતીય ચાહકોને પણ એમ જ થવાની આશા છે.