ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે ફરી ધમાકેદાર બેંટિગ કરી છે. મધ્યપ્રદેશના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટના નુકશાન સાથે 385 રન બનાવ્યા છે.
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં બેટિંગથી તબાહી મચાવી હતી.
બંનેએ સાથે મળીને કિવી બોલરોને ખૂબ માર્યા. રોહિત અને ગિલે મળીને 212 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પોતાની બેટિંગથી બધાનું ખૂબ મનોરંજન કર્યું, પરંતુ ગિલ અને રોહિત વચ્ચેની રેસ બંનેની બેટિંગ કરતાં વધુ મજેદાર હતી. ભારતીય કેપ્ટન અને ગિલ વચ્ચે ત્રીજી મેચમાં પહેલા સદી પૂરી કરવા માટે જબરદસ્ત રેસ જોવા મળી હતી.
View this post on Instagram
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને 26.1 ઓવર સુધી ક્રિઝ પર રહ્યા હતા. બંને વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારતને પહેલો ફટકો રોહિતના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન 101 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભાગીદારી તૂટતાં જ ગિલની લય પણ બગડી ગઈ હતી. 230 રનના સ્કોર પર ભારતને બીજો ઝટકો ગિલના રૂપમાં લાગ્યો હતો.
ગિલ 112 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ ઈશાન કિશન 17 રન, વિરાટ કોહલી 36 રન, સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરી અને શાર્દુલ ઠાકુરે સાથે મળીને સ્કોર 367 રન સુધી પહોંચાડ્યો. ઠાકુર 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના વિદાયના થોડા સમય બાદ પંડ્યા પણ 54 રન બનાવીને આઉટ થયો હતો. ભારતને ઇનિંગ્સના છેલ્લા બોલ પર કુલદીપ યાદવના રૂપમાં ઝટકો લાગ્યો હતો.
રોહિત શર્માએ વનડેમાં આજે 30મી સદી ફટકારી છે. આ સાથે તે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગના નામે પણ વનડેમાં 30 સદી છે. વનડેમાં 49 સદી સાથે સચિન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. જ્યારે 46 સદી સાથે વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા ક્રમે છે.