IND vs AUS: રોહિત શર્માએ છગ્ગાઓ સાથે લગાવી વિક્રમની વણઝાર, ભારતીય ટીમે પણ રચ્યો ઈતિહાસ
રોહિત શર્મા (Rohit Sharma) એ ઓસ્ટ્રેલિયા સામે નાગપુર T20 મેચમાં માત્ર 20 બોલમાં અણનમ 46 રન ફટકારીને ટીમ ઈન્ડિયા (Team India) ને 6 વિકેટથી જીત અપાવી હતી.
જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) ને જીતના માર્ગે પરત ફરવાની સૌથી વધુ જરૂર હતી ત્યારે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પોતે જ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીની ખરાબ શરૂઆત બાદ ભારતીય ટીમે (Indian Cricket Team) બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. નાગપુરમાં ભીનું મેદાન હોવાને કારણે મોડી શરૂ થયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્મા એ 46 રન ફટકારીને ભારતને 8-8 ઓવરની આ મેચમાં 6 વિકેટથી જીત અપાવી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં રોહિત શર્મા ઉપરાંત ડાબોડી સ્પિનર અક્ષર પટેલે પણ ખાસ ભૂમિકા ભજવી હતી અને માત્ર 13 રન આપીને 2 મોટી વિકેટ લીધી હતી. તે જ સમયે જસપ્રીત બુમરાહ પણ આ મેચમાંથી પરત ફર્યો હતો અને તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને જબરદસ્ત યોર્કર પર બોલ્ડ કર્યો હતો.
રોહિતની ઇનિંગની મોટી વાતો
- રોહિત શર્માએ 20 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં તેણે 4 સિક્સર ફટકારી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ (172)ને પાછળ છોડી દીધો.
- આ 4 સિક્સર સિવાય રોહિતે 4 ફોર પણ ફટકારી હતી. એટલે કે કુલ 8 બાઉન્ડ્રી. આ રીતે રોહિત T20 ઈન્ટરનેશનલમાં 500થી વધુ બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની પાસે 504 બાઉન્ડ્રી છે, જ્યારે બીજા નંબર પર માર્ટિન ગુપ્ટિલ 478 પર છે.
- રોહિત શર્માને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. કેપ્ટન તરીકે આ પાંચમી વખત હતો. તેના સિવાય અન્ય તમામ ભારતીય કેપ્ટન માત્ર 4 વખત શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર થયા હતા (વિરાટ કોહલી 3, સુરેશ રૈના 1).
- આ સિવાય રોહિત શર્માની ટી20 ઈન્ટરનેશનલ કરિયરનો આ 12મો પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર છે અને આ મામલામાં તે માત્ર વિરાટ કોહલી અને મોહમ્મદ નબી (બંને 13 વખત) થી પાછળ છે.
- રોહિત શર્માના કેપ્ટન તરીકે 1351 રન છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 154.93 છે. T20 ઈન્ટરનેશનલમાં એક હજારથી વધુ રન બનાવનારા કેપ્ટનોમાં માત્ર રોહિતનો સ્ટ્રાઈક રેટ 150 થી વધુ છે.
- જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો આ મેચમાં જીત સાથે ભારતે આ વર્ષે 20 T20 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત આ સફળતા મેળવી છે. ભારત સિવાય માત્ર પાકિસ્તાને (2021 માં) આ કારનામું કર્યું છે.
- બીજી મેચ વિરાટ કોહલી માટે સારી રહી ન હતી અને તે માત્ર 11 રન બનાવી શક્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ બોલ્ડ કર્યો હતો. વનડે અને ટી20માં આ 8મી વખત છે જ્યારે કોહલી ઝમ્પાનો શિકાર બન્યો.