ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી પહોંચી છે. કાંગારુ ટીમે બેંગ્લુરુમાં પોતાનો કેમ્પ શરુ કર્યો છે. આ દરમિયાન બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર સિરીઝની 4 મેચોની ટેસ્ટ સિરીઝની શરુઆત આગામી 9 ફેબ્રુઆરીએ થનારી છે. આ દરમિયાન હવે કાંગારુ ટીમે ભારતીય ટીમના સ્પિનરોને ધ્યાનમાં રાખીને તૈયારી શરુ કરી હતી. જોકે ઓસ્ટ્રેલિયાને જો કોઈની સ્પિન બોલિંગનો ડલ લાગી રહ્યો હોય તો અક્ષર પટેલનો છે.
ઓસ્ટ્રેલિયન ટીમે અક્ષર પટેલને ધ્યાનમાં રાખીને તૈયારી વિશેષ રુપે શરુ કરી છે. જોકે આ સાથે જ રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવ જેવા ક્વોલિટી સ્પિનર્સને પણ ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે અક્ષર માટે વિશેષ યોજના બનાવીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મીડિયા રીપોર્ટસ મુજબ ઓસ્ટ્ર્લિયન ખેલાડીઓને સ્પિનરો સામે રમવાની ચિંતા છે. આ પહેલા પણ સિડનીમાં ભારતીય સ્પિનરો સામેની તૈયારીઓથી સજવા માટે ખાસ પિચ બનાવી હતી. જે પિચ પર કાંગારુ બેટરો દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. હવે ભારતમાં પહોંચ્યા બાદ ભારતીય પિચ પર અભ્યાસની શરુઆત કરી છે. જેમાં અક્ષર પટેલને વિશેષ રુપે ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.
ભારતમાં સ્પિનરોને મદદરુપ પિચો હોય છે એવી માન્યતા રહેલી છે. ભારતીય ટીમમાં વિશ્વના જાણિતા સ્પિનરો ધમાલ મચાવતા હોય છે. ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન અને દુનિયાનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ ખતરો છે. જાડેજાએ રણજી ટ્રોફીમાં તરખાટ મચાવતા 7 વિકેટ ઈનીંગમાં ઝડપી હતી.
અહેવાલો મુજબ ઓસ્ટ્રેલિયનન ટીમને સ્પિનરોમાં અક્ષર સામે કેમ ડર લાગી રહ્યો છે. તો એ સવાલનો જવાબ એ છે કે, અક્ષર પટેલ ટર્નને બદલે સ્લાઈડર બોલ પર વધારે ભરોસો દર્શાવે છે. તેનો બોલ પિચ પર પડ્યા બાદ સિધો જ ઝડપથી અંદરની તરફ આવે છે. આ બોલનો ખતરો એ રહે છે કે, બેટના પેડ પર અથવા વિકેટમાં પહોંચતો હોય છે. આવામાં બેટર માટે પોતાની વિકેટ સાચવવી મુશ્કેલ બની જતી હોય છે.
વ્હાઈટ બોલ સિરીઝમાં અક્ષર પટેલ પ્રભાવિત કરી ચુક્યો છે. ત્યાર બાદ હવે રેડ બોલથી પણ સૌનુ ધ્યાન ખેંચી રહ્યો છે.ટેસ્ટ સિરીઝમાં તે જમાવટ કરી રહ્યો છે અને આવી સ્થિતીમાં ઓસ્ટ્રેલિયન ટીમને તેના સ્લાઈડર બોલનો ડર લાગે એ સ્વભાવિક છે. જાડેજા અને અશ્વિન પણ સ્લાઈડર બોલનો ઉપયોગ કરે છે, પરંતુ અક્ષર વધુ ખતરનાક જણાઈ રહ્યો છે.