આજે રવિવારે ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. કોલંબોમાં રમનારી વન ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં નવા ચહેરાઓ અને યુવા સામેલ છે. બેચ સ્ટ્રેન્થમાંથી તૈયાર કરેલી ટીમ આંતરરાષ્ટ્રીય કસોટી પાર પાડવા આજે મેદાને ઉતરશે. શિખર ધવન (Shikhar Dhawan) કેપ્ટન તરીકે આજે ડેબ્યૂ કરશે. ટીમ ઇન્ડીયા (Team India) માં આજે અનેક મોટા ખેલાડીઓની ગેરહાજરી છે. જોકે આમ છતાં શ્રીલંકા સામે ભારતીય ટીમ ખૂબ મજબૂત છે.
કેટલાક નવા અને અનુભવ વિનાના ખેલાડીઓથી ભરેલી બંને ટીમોમાં ભારતને જીતનુ દાવેદાર માનવામાં આવે છે. જોકે મેદાન પર બાજી ગમે ત્યારે પલટાઇ શકે છે. આવામાં બંને ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરવી જરુરી છે. કારણ કે પ્રથમ વખત આ ટીમ સામે ભારત પોતાના મજબૂત ખેલાડીઓ વિના મેદાને ઉતરી રહી છે.
વન ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે વન ડે મેચ કોઇ બે ટીમો વચ્ચે રમાઇ હોય તો, તે ભારત અને શ્રીલંકા વચ્ચે. બંને ટીમોએ આજ સુધી રેકોર્ડ આંક 159 મેચ રમી છે. 1979 વિશ્વકપમાં બંને દેશો વચ્ચે પ્રથમ વખત ટક્કર થઇ હતી. જેને શ્રીલંકા જેવી નવી ટીમે જીતી લીધી હતી. જોકે તેના બાદ ભારતીય ટીમનો દબદબો બનેલો છે. ટીમ એ શ્રીલંકા પર ખૂબ જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે અંતિમ મેચ વિશ્વકપ 2019માં રમાઇ હતી. જેમાં ભારતે આસાનીથી શ્રીલંકાને હરાવી દીધુ હતુ.