રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની પાંચમી અને નિર્ણાયક T20 મેચ ધોવાઇ ગયા બાદ, બંને ટીમો વચ્ચે શ્રેણી સંયુક્ત રહી હતી, જેનાથી ભારતીય ટીમનો કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) થોડો નિરાશ થયો હતો. પરંતુ તેણે કહ્યું હતું કે આ શ્રેણીથી ભારતીય ટીમ (Indian Cricket Team) ને ખૂબ જ સકારાત્મક પરિણામો મળ્યા છે. ભારતે પ્રથમ બે મેચ હાર્યા બાદ જોરદાર વાપસી કરીને પછીની બે મેચ જીતીને શ્રેણી 2-2 થી બરાબર કરી લીધી હતી ત્યારબાદ રવિવારે સિરીઝની અંતિમ મેચ માત્ર 3.3 ઓવરની રમત રમ્યા બાદ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે તક સર્જાઈ હતી કે દક્ષિણ આફ્રિકાને ઘર આંગણે સિરીઝમાં હરાવી નહી શકવાનો સિલસિલો તોડી શકાયો હોત.
મેચની શરૂઆત પહેલા જ વરસાદ આવ્યો અને મેચ શરૂ થવામાં 50 મિનિટનો વિલંબ થયો, જેના કારણે મેચ 19 ઓવરની થઈ ગઈ. ભારતીય ઈનિંગની ચોથી ઓવરમાં વરસાદે ફરી એકવાર વિક્ષેપ પાડ્યો અને મેચ ફરી શરૂ થઈ શકી નહીં. બીજી વખત વરસાદ બંધ થયો ત્યાં સુધી ભારતે 3.3 ઓવરમાં બે વિકેટે 28 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન માત્ર 16 મિનિટની રમત રમાઈ શકી હતી.
પંતે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન કહ્યું હતું કે, તે થોડી નિરાશાજનક હોઈ શકે છે પરંતુ તેમાં ઘણી સકારાત્મકતાઓ છે, ખાસ કરીને જે રીતે આખી ટીમે 0-2 થી પાછળ પડી ગયા બાદ જુસ્સો દર્શાવ્યો હતો. અમે મેચ જીતવા માટે અલગ-અલગ રસ્તા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અમે નવી રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભૂલો થાય છે પરંતુ અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. મને લાગે છે કે પહેલીવાર મેં આટલા બધા ટોસ ગુમાવ્યા (પંતે શ્રેણીમાં પાંચેય ટોસ ગુમાવ્યા) પરંતુ તે મારા નિયંત્રણમાં નથી તેથી હું તેના વિશે વધુ વિચારી રહ્યો નથી.
પંતે કહ્યું કે ટીમની નજર હવે ઈંગ્લેન્ડમાં 1 થી 5 જુલાઈ દરમિયાન યોજાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ જીતવા પર છે. તેણે કહ્યું, “ટીમના દૃષ્ટિકોણથી, હવે ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ મેચ જીતવી છે અને વ્યક્તિગત રીતે હું ટીમની જીતમાં વધુ યોગદાન આપવા માંગુ છું.”
સાઉથ આફ્રિકાના સ્ટેન્ડ-ઈન કેપ્ટન કેશવ મહારાજ પણ મેચ રદ્દ થવાથી નિરાશ થયો હતો. મહારાજે કહ્યું, તે ખૂબ જ નિરાશાજનક છે કે આખી મેચ રમાઈ ન હતી. આ એક રોમાંચક પ્રવાસનો રોમાંચક અંત હોત પરંતુ આપણે હવામાનને નિયંત્રિત કરી શકતા નથી. જો તમે જુઓ કે અમે શરૂઆતની મેચોમાં કેટલાક સંયોજનો અજમાવ્યા હતા. અમારું કામ પ્રગતિ પર છે અને વર્લ્ડ કપ પહેલા અમારી ટીમ કેવી રહેશે તે જોવા માટે અમે અલગ-અલગ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. તેણે કહ્યું કે, તે એક મજબૂત ભારતીય ટીમ હતી જેનો અમે સામનો કર્યો હતો પરંતુ અમે કંઈપણ હળવાશથી લેવા માંગતા ન હતા.