શેફાલી વર્મા (Shafali Verma). ICC મહિલા વિશ્વ કપ 2022 (ICC Women’s World Cup) માં ભારતની સૌથી મહત્વની બેટ્સમેનોમાંની એક. પરંતુ, આ બેટ્સમેને પાકિસ્તાન સામે તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય રન માટે વધુ રાહ જોવી પડશે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં તેને તક મળી હતી, જે તેણે ગુમાવી દીધી હતી. 6 બોલનો સામનો કર્યા બાદ તે ખાતું પણ ખોલી શકી નહોતી. પાકિસ્તાનની મીડિયમ પેસર ડાયના બેગે (Diana Baig) તેના સ્ટંમ્પસને વેરવિખેર કરી દીધા હતા. પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમને સસ્તામાં મોટો ઝટકો લાગ્યો. શેફાલીનું આઉટ થવું એ ભારતની ઝડપી શરૂઆત પર ગ્રહણ લાગવા સમાન હતું. આ આખા વર્ષમાં શેફાલીના બેટનો એવો જાદુ નથી દેખાડ્યો જેના માટે તે જાણીતી છે.
નવા વર્ષમાં ODIમાં શેફાલીનું રિપોર્ટ કાર્ડ બતાવીએ, તે પહેલા તમને ખબર હોવી જોઇએ કે વર્ષ 2019માં ડેબ્યૂ કર્યા બાદ આ પ્રથમ વખત હતુ જ્યારે તે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી હતી. આવી સ્થિતિમાં તેણે કટ્ટર હરીફ સામે જે રીતે શરૂઆત કરવી જોઈતી હતી, તે દેખાડી નથી.
વર્ષ 2022માં અત્યાર સુધી રમાયેલી 6 ODIમાં જો તમે શેફાલી વર્માનું રિપોર્ટ કાર્ડ જોશો તો તે પણ થોડી નિરાશ થશે. આ દરમિયાન શેફાલીની બેટિંગ એવરેજ માત્ર 16 રહી છે, જે તેની સ્ટાઈલ અને મિજાજ સાથે ક્યાંય મેળ ખાતી નથી. અત્યાર સુધી રમાયેલી 6 ODIમાં તેણે એક અડધી સદી સાથે માત્ર 96 રન જ બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી મેચમાં બનાવેલા 51 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. આ સિવાય તે બે ઇનિંગ્સમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી. જ્યારે બે ઇનિંગ્સમાં 12 અને 24 રન બનાવ્યા હતા.
શેફાલી વર્માની વિકેટ ડાયના બેગે લીધી, જે કદાચ ભારતની શરૂઆત બગાડવાનો આનંદ માણી રહી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લી વખત જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને મળ્યા હતા, ત્યારે તેણે સ્મૃતિ મંધાનાનો શિકાર સસ્તામાં કર્યો હતો. તેણે મંધાનાને માત્ર 2 રન બનાવી કેચ આઉટ કરાવી પેવેલિયન તરફ મોકલી હતી.
શેફાલી વર્માએ અત્યાર સુધી 11 ODI રમી છે, જેમાં તેણે 2 અડધી સદી સાથે 23.63ની એવરેજથી 260 રન બનાવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે શેફાલીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટના આ ફોર્મેટમાં આવવાનું બાકી છે.