ICC Womens World Cup: ભારતે ટ્રોફી જીતવા ઈતિહાસ બદલવો પડશે, 20 વર્ષથી ચાલી રહ્યો છે હારનો સિલસિલો
મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઈનલ 2 નવેમ્બરના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા તેના પહેલા ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે. જોકે, આ મેચ જીતવા માટે તેમણે 20 વર્ષની હારનો સિલસિલો સમાપ્ત કરવો પડશે.

2025 મહિલા વનડે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. એક તરફ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ હશે, જે ઘરઆંગણે ખિતાબના દુષ્કાળનો અંત લાવવા માંગે છે. બીજી તરફ, લૌરા વોલ્વાર્ડની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જે પ્રથમ વખત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચવાની અણી પર છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા ભારતીય ટીમે 20 વર્ષતી ચાલતો આવતો હારનો રેકોર્ડ તોડવો પડશે.
વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-આફ્રિકાની ટક્કર
આ વખતે, ક્રિકેટ જગત મહિલા ODI વર્લ્ડ કપમાં એક નવો ચેમ્પિયન જોશે. ભારત કે દક્ષિણ આફ્રિકા હજુ સુધી આ ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. તેથી, ટીમ ઈન્ડિયા પાસે ઘરઆંગણે આ રાહ ખતમ કરવાની એક સારી તક છે. જોકે, ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક બાબત એ છે કે તેઓએ છેલ્લે 2005માં મહિલા ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ત્યારથી, તેમને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.
2005થી ભારત આફ્રિકાને હરાવી શક્યું નથી
બંને ટીમો અત્યાર સુધીમાં છ વર્લ્ડ કપ મેચોમાં સામ-સામે આવી છે, જેમાં બંને ટીમ ત્રણ-ત્રણ મેચ જીતી છે. જોકે, 2005 માં ભારતની છેલ્લી જીત પછી, દક્ષિણ આફ્રિકાએ સતત ત્રણ મેચ જીતી છે, જેમાં આ ટુર્નામેન્ટની લીગ સ્ટેજ મેચનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ત્રણ વર્લ્ડ કપ મેચોમાં જીત્યું છે અને ભારત 20 વર્ષથી વર્લ્ડ કપમાં આફ્રિકાને હરાવી શક્યું નથી.
20 વર્ષની હારનો સિલસિલો તોડવો પડશે
લીગ સ્ટેજમાં, દક્ષિણ આફ્રિકાએ દરેક વિભાગમાં ભારતને હરાવીને સરળ જીત મેળવી હતી. હવે, તે જ ટીમ ફાઈનલમાં ફરીથી ભારતનો સામનો કરશે. જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા માંગે છે, તો તેમણે કોઈપણ કિંમતે આ 20 વર્ષનો હારનો સિલસિલો તોડવો પડશે.
ભારત ત્રીજી વખત ફાઈનલ રમશે
ભારતીય મહિલા ટીમ તેના ક્રિકેટ ઈતિહાસમાં ત્રીજી વખત મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં રમશે. ભારતીય મહિલા ટીમ અગાઉની બંને ફાઈનલ હારી ગઈ હતી. તેઓ 2005ના વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અને 2017ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયા હતા. પરંતુ આ વખતે, તેઓ જીતવા કરવા માટે કટિબદ્ધ હશે.
આ પણ વાંચો: ICC Womens World Cup: જો ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ રદ થાય, તો કોણ બનશે ચેમ્પિયન? જાણો શું છે નિયમ
