ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ‘ગ્રેટ બેરિયર રીફ એરેના’ સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીનની સદીની મદદથી 431 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.
હવે આના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 155 રનમાં સમેટાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 માં ODI માં આ કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ઓસ્ટ્રેલિયા તરફથી 4 બેટ્સમેને 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, ભારતે ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે વર્ષ 2023 માં શ્રીલંકાને 317 રનના માર્જિનથી હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025 માં 276 રનના માર્જિનથી આફ્રિકાને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી છે. અગાઉ, વર્ષ 2025 માં સૌથી મોટી જીતનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, જેણે મે મહિનામાં વેસ્ટ ઇન્ડીઝને 238 રનથી હરાવ્યું હતું.
હાલની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 276 રનની ભવ્ય જીત મેળવી, જે અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાઈ રહી છે. તે સિવાય ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામે 238 રનની જીત મેળવી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું હતું. વધુમાં વેસ્ટ ઇન્ડીઝે આયર્લેન્ડ સામે 197 રનની જીત નોંધાવી હતી. આ સાથે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે 174 રનની જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા માટે ચાર બેટ્સમેનોમાંથી ત્રણે સદી ફટકારી અને એકે અડધી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ વચ્ચે પ્રથમ વિકેટ માટે 250 રનની ભાગીદારી થઈ હતી. હેડે 142 રન બનાવ્યા અને કેપ્ટન માર્શે 100 રન બનાવ્યા. નંબર-3 પર બેટિંગ કરવા આવેલ કેમેરોન ગ્રીન 55 બોલમાં તોફાની 118 રન બનાવીને અણનમ રહ્યો અને એલેક્સ કેરીએ પણ 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે ઓસ્ટ્રેલિયન બોલર્સનો કોઈ તોડ જ નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી કૂપર કોનોલીએ 5 વિકેટ ખેરવી હતી. બીજીબાજુ, સાઉથ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. બ્રેવિસ સિવાય બાકીના બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહોતા.
જણાવી દઈએ કે, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા ભલે જીત્યું હોય પરંતુ સિરીઝ તો દક્ષિણ આફ્રિકાના નામે રહી છે. આફ્રિકાએ વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે.