
બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતા, કોલકાતા નાઈટ રાઈડર્સમાં પોતાનો હિસ્સો વેચવા માટે તૈયાર છે. તેમની પાસે ટીમમાં 45 ટકા હિસ્સો છે, જેમાંથી તેઓ 22.5 ટકા હિસ્સો એક અમેરિકન કંપનીને વેચવાની યોજના ધરાવે છે. અહેવાલો અનુસાર, જય મહેતા તેમના 45 ટકા હિસ્સામાંથી અડધો હિસ્સો અમેરિકન કંપની એરેસ મેનેજમેન્ટને વેચી રહ્યા છે. એરેસ મેનેજમેન્ટ એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે જે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ચેલ્સિયા ફૂટબોલ ક્લબ અને NFLમાં મિયામી ડોલ્ફિન્સ સહિત અનેક વૈશ્વિક સ્પોર્ટ્સ ક્લબની પણ માલિકી ધરાવે છે.
એક અહેવાલ મુજબ, જય મહેતા KKR માં 22.5 ટકા હિસ્સો આશરે $400 મિલિયનમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. આ રકમ 3,739 કરોડ રૂપિયા થાય છે. KKR નું કુલ વેલ્યુએશન $1.78 બિલિયન એટલે આશરે ₹16,634 કરોડ થાય છે. જય મહેતા, તેની અભિનેત્રી પત્ની જુહી ચાવલા મહેતા સાથે નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક હતા, જેમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન 55 ટકા હિસ્સો ધરાવે છે. ત્રણેય પ્રમોટરોએ કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી અને 2007 માં નાઈટ રાઈડર્સ ટીમ ખરીદી હતી.
જય મહેતા અને એક અમેરિકન કંપની વચ્ચે થયેલા સોદા અંગે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખો સોદો રોકડમાં થશે, એટલે કે જય મહેતાને ₹3,739 કરોડ રોકડમાં મળશે. જોકે, ટીમમાં આ હિસ્સો વેચવા માટે BCCI ની પરવાનગી જરૂરી રહેશે. સોદો અંતિમ સ્વરૂપ પામે તે પહેલાં BCCI નવા માલિકની સંપૂર્ણ તપાસ કરશે. BCCI ને આ સોદામાંથી ટ્રાન્ઝેક્શન રકમના પાંચ ટકા મળશે. આનો અર્થ એ થયો કે BCCI ને $20 મિલિયન મળશે, જે ભારતીય રૂપિયામાં ₹200 કરોડ બરાબર છે.