AUS vs ENG: બેન સ્ટોક્સ બ્રેક બાદ એશિઝ સિરીઝ સાથે પરત ફર્યો પરંતુ જમાવટ ના કરી શક્યો, ફીકી રહી આરામ બાદની શરુઆત

AUS vs ENG: બેન સ્ટોક્સ બ્રેક બાદ એશિઝ સિરીઝ સાથે પરત ફર્યો પરંતુ જમાવટ ના કરી શક્યો, ફીકી રહી આરામ બાદની શરુઆત
Ben Stokes

બેન સ્ટોક્સે (Ben Stokes) જુલાઈમાં ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો હતો અને તેથી જ તે ICC T20 વર્લ્ડ કપ 2021માં રમ્યો નહોતો.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Dec 08, 2021 | 9:46 AM

વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોની ગણતરી કરીએ તો તેમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) ના બેન સ્ટોક્સ (Ben Stokes) નું નામ આવશે. તેણે પોતાની રમતથી આ સાબિત કર્યું છે. ઈંગ્લેન્ડ માટે ઘણી ઐતિહાસિક જીતમાં તેમનો મહત્વપૂર્ણ અને મોટો ફાળો રહ્યો છે, ODI વર્લ્ડ કપ-2019ની ફાઈનલ તેમાંથી એક છે. આ ખેલાડીએ હાલમાં જ ઈજા અને માનસિક સ્વાસ્થ્યને કારણે બ્રેક લીધો હતો. એટલા માટે તે ટીમનો ભાગ નહોતો.

આરામ લીધા બાદ સ્ટોક્સે વાપસી કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન, જો કે એશિઝ શ્રેણી (Ashes Serirs) માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સ્ટોક્સ જ્યારે પરત ફર્યો ત્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને પણ આજથી બ્રિસ્બેનમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

લાગી રહ્યુ હતુ કે સ્ટોક્સ ધમાકેદાર વાપસી કરશે. તે મેદાન પર ઉતર્યો હતો પરંતુ માહોલ સારો નહોતો. ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે છ ઓવરમાં 11 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેમાં કેપ્ટન જો રૂટની વિકેટ પણ સામેલ હતી.

આ કારણે સ્ટોક્સને વહેલા બેટિંગ કરવા આવવું પડ્યું હતું. સ્ટોક્સને ઈંગ્લેન્ડને આવી સ્થિતિમાંથી બહાર કાઢનાર માહેર ખેલાડી માનવામાં આવે છે. છેલ્લી એશિઝ શ્રેણીમાં હેડિંગ્લે ખાતે રમેલી તેની મેચ-વિનિંગ ઇનિંગ્સને કોઈ ભૂલી શકે નહીં. અહીં પણ એવી અપેક્ષા હતી કે સ્ટોક્સ ટીમનો મુશ્કેલી નિવારક બનશે, પરંતુ એવું થઈ શક્યું નહીં.

કમિન્સે ઇનિંગ્સનો અંત કર્યો

સ્ટોક્સ પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સ્ટોક્સે છઠ્ઠા બોલ પર પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તે પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. તે પોતાનું પુનરાગમન કરવા અને ઈંગ્લેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢવા, ટીમને મજબૂત બનાવવા અને મોટો સ્કોર આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ મેચમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી રહેલા પેટ કમિન્સે સ્ટોક્સ અને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું.

સ્ટોક્સે કમિન્સના બેક ઓફ લેન્થ બોલને ફટકાર્યો અને બોલ તેના બેટની કિનારી લઈને સ્લિપમાં ગયો જ્યાં માર્નસ લાબુશેને તેનો કેચ પકડ્યો. આ સાથે, સ્ટોક્સની વાપસી ફિક્કી પડી ગઈ અને ઈંગ્લેન્ડ પર જે સંકટ હતું તે વધુ ઘેરું બન્યું. સ્ટોક્સ જ્યારે આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 29 રન હતો. સ્ટોક્સ ટીમની ચોથી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટોક્સે 21 બોલનો સામનો કર્યો અને એક ફોરની મદદથી પાંચ રન બનાવ્યા.

જુલાઈમાં બ્રેક લીધો હતો

સ્ટોક્સે જુલાઈમાં ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો હતો. તેનું કારણ તેની આંગળીમાં ઈજા અને માનસિક સ્વાસ્થ્ય હતું. આ જ કારણસર તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રમ્યો નહોતો. તેણે તેની છેલ્લી વનડે બર્મિંગહામમાં પાકિસ્તાન સામે રમી હતી. ટેસ્ટની વાત કરીએ તો આજની મેચ પહેલા તેણે માર્ચમાં અમદાવાદમાં ભારતના પ્રવાસ પર તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. લગભગ આઠ મહિના પછી ટેસ્ટમાં વાપસી કરી રહેલો સ્ટોક્સ પોતાની પ્રથમ મેચમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો.

આ પણ વાંચોઃ LIC IPO : PAN વગર નહીં મળે LICનો શેર, આ 3 સ્ટેપમાં પૂર્ણ કરો આ મહત્વપૂર્ણ કામ

આ પણ વાંચોઃ  Petrol Diesel Price Today: શું ફરી મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? આંતરાષ્ટ્રીય બજારમાંથી મળ્યા સંકેત! જાણો આજના લેટેસ્ટ રેટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati