
ભારતીય ટેસ્ટની નવી દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારા હાલમાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. જો કે, પુજારાએ, ટીમમાંથી બહાર કરી દીધો હોવા છતા તેણે હાર માની નથી અને ફરીથી ટીમ માટે દાવો ઠોકવાનું મન બનાવી લીધું છે. આ માટે તેણે સખત મહેનત કરી છે. જે રણજી ટ્રોફી 2024 સીઝનની પહેલી જ મેચમાં કામ આવી. ચેતેશ્વર પૂજારાએ શાનદાર બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલ ચેતેશ્વર પૂજારા, આ ડબલ સેન્ચુરી વડે ફોર્મમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે.
ચેતેશ્વર પૂજારાએ ઝારખંડ જેવી મજબૂત ટીમ સામે પોતાની બેવડી સદી ફટકારી હતી. તેણે પોતાની બેવડી સદી 317 બોલમાં પૂરી કરી હતી. તેની સ્ટ્રાઈક રેટ પર વારંવાર સવાલો ઉભા કરવામાં આવે છે, પરંતુ 200 રનની આ ઈનિંગ ઘણું બધું કહી જાય છે કે તે હવે ઝડપી ગતિએ પણ રન બનાવતા શીખી ગયો છે. તેણે મેચના પહેલા દિવસે પોતાની સદી પૂરી કરી હતી, પરંતુ બેવડી સદી સુધી પહોંચવા માટે તેણે બીજો દિવસ પસંદ કર્યો અને તેમાં તે સફળ સાબિત થયો.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જમણા હાથના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની આ 17મી બેવડી સદી છે. એશિયામાં અન્ય કોઈ બેટ્સમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આટલી બેવડી સદી ફટકારી નથી. કુમાર સંગાકારા આ યાદીમાં બીજા સ્થાને છે, પરંતુ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 13 બેવડી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારા 17 કે તેથી વધુ બેવડી સદી ફટકારનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારાની આ 61મી સદી હતી, જ્યારે તેના બેટમાંથી 77 અડધી સદી પણ આવી છે. તેમાં ટેસ્ટ ક્રિકેટના આંકડા પણ સામેલ છે, કારણ કે ટેસ્ટ ક્રિકેટના આંકડા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સામેલ છે. ચેતેશ્વર પુજારા મલ્ટી-ડે ક્રિકેટનો હીરો રહ્યો છે. જો પૂજારા આ સિઝનમાં કેટલીક વધુ મોટી ઇનિંગ્સ રમશે તો તે ફરીથી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો દાવો કરશે.
પુજારા નવેમ્બર-ડિસેમ્બર 2023માં સૌરાષ્ટ્ર માટે લિસ્ટ A ક્રિકેટ પણ રમ્યો હતો, પરંતુ વિજય હજારે ટ્રોફીમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તે પહેલા જ ટેસ્ટ ટીમની બહાર હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું, જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે પસંદ કરવામાં આવ્યો ન હતો અને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ શુભમન ગિલ ત્રીજા નંબરે રમ્યો હતો.
Published On - 1:26 pm, Sun, 7 January 24