WTC points table : ઓવલ ટેસ્ટના પરિણામની પોઈન્ટ ટેબલ પર અસર, જાણો ભારત અને ઈંગ્લેન્ડ ક્યાં છે?

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમોએ જોરદાર રમત બતાવી અને ટક્કરની મેચો બાદ સીરિઝ 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ. આ સીરિઝ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે અને બંને ટીમની રેન્કિંગ બદલાઈ ગઈ છે. જાણો બંને ટીમો હાલ કયા સ્થાને છે.

WTC points table : ઓવલ ટેસ્ટના પરિણામની પોઈન્ટ ટેબલ પર અસર, જાણો ભારત અને ઈંગ્લેન્ડ ક્યાં છે?
Team India
Image Credit source: X/BCCI
| Updated on: Aug 04, 2025 | 6:12 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની શ્રેણી ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. 20 જૂને લીડ્સમાં શરૂ થયેલી આ ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટના રોજ ઓવલ ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટની છેલ્લી ઈનિંગ સાથે સમાપ્ત થઈ. ટીમ ઈન્ડિયાએ છેલ્લી ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત નોંધાવી અને શ્રેણીનો અંત ડ્રોમાં કર્યો. ઓવલ ટેસ્ટના પરિણામની શ્રેણીના સ્કોરલાઈનની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર પણ અસર થઈ. આ જીત સાથે, ભારતે તેના પોઈન્ટમાં મોટો જમ્પ કર્યો અને ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું.

WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ WTCના ચોથા સર્કલમાં તેમની પ્રથમ શ્રેણી રમી રહ્યા હતા. ઈંગ્લેન્ડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે વાપસી કરી અને સીરિઝમાં બરાબરી કરી. ત્યારબાદ લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં, ઈંગ્લેન્ડે રોમાંચક વિજય મેળવ્યો અને લીડ મેળવી. ટીમ ઈન્ડિયાએ માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર ટાળી અને ડ્રો મેળવ્યો. આ પછી, શ્રેણીના નિર્ણય માટે બધાની નજર ઓવલ ટેસ્ટ પર હતી.

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાછળ છોડ્યું

માન્ચેસ્ટર ટેસ્ટ પછી, ઈંગ્લેન્ડ 26 પોઈન્ટ અને 54.17 પોઈન્ટ ટકાવારી (PCT) સાથે WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતું. ટીમ ઈન્ડિયા 16 પોઈન્ટ અને 33.33 PCT સાથે ચોથા સ્થાને હતી. ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ. પાંચમી ટેસ્ટમાં જીત પછી, ટીમ ઈન્ડિયાને 28 પોઈન્ટ અને 46.67 PCT મળ્યા અને આમ તેમણે ઈંગ્લેન્ડ પાસેથી ત્રીજું સ્થાન છીનવી લીધું. ઈંગ્લેન્ડ પાસે ફક્ત 26 પોઈન્ટ હતા જ્યારે PCT 43.33 પર ઘટી ગયો અને તે ચોથા સ્થાને સરકી ગયું.

ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને

પોઈન્ટ ટેબલમાં બાકીની ટીમોની વાત કરીએ તો, ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હજુ પણ પ્રથમ સ્થાને છે, જેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય મેચ જીતી છે. શ્રીલંકા બીજા સ્થાને છે, જેણે એક મેચ જીતી છે અને બાંગ્લાદેશ સામે એક ડ્રો કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઉપરાંત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે હજુ સુધી આ સર્કલમાં પોતાનું અભિયાન શરૂ કર્યું નથી.

ટીમ ઈન્ડિયાની આગામી સીરિઝ

જો આપણે ટીમ ઈન્ડિયાની વાત કરીએ, તો તેની આગામી ટેસ્ટ શ્રેણી હવે હોમ ગ્રાઉન્ડ પર રમાશે. બરાબર બે મહિના પછી, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ઓક્ટોબરથી 2 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. આ પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. આ શ્રેણી પણ ભારતમાં જ રમાશે. ટીમ ઈન્ડિયા પાસે આ બંને શ્રેણી જીતીને પોઈન્ટ ટેબલમાં લીડ મેળવવાની તક હશે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો, તેઓ હવે સીધો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં 21 નવેમ્બરથી બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટની એશિઝ શ્રેણી શરૂ થશે.

આ પણ વાંચો: Breaking News : ઓવલ ટેસ્ટમાં ભારતની યાદગાર જીત, અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ટેસ્ટ સીરિઝ 2-2થી કરી ડ્રો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો