
દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતમ થયા બાદ ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી રમવાની છે. આ T20 સિરીઝ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ ખેલાડીઓની ઇજાઓ છે. મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ શ્રેણીમાં પસંદગી માટે પહેલાથી જ ઉપલબ્ધ નહોતા.
હવે ભારતીય ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પણ ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં નહીં રમે. આ ઉપરાંત તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતની મેચોમાંથી પણ બહાર રહે તેવી શક્યતા છે.
રુતુરાજને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. રુતુરાજ ગાયકવાડ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર હતો.
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત રવિવાર (7 જાન્યુઆરી)ની મોડી સાંજ સુધીમાં થઈ શકે છે. ટીમ સિલેક્શન માટે અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાવાની છે, જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર રહી શકે છે. આ T20 સિરીઝને લઈને ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે.
હાર્દિક-સૂર્યાની બહાર થયા બાદ હવે રોહિત શર્માને આ T20 સિરીઝ માટે કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ વિરાટ કોહલી પણ T20 ટીમમાં વાપસી કરી શકે છે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ BCCIને જાણ કરી છે કે તેઓ T20માં રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે રોહિત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ઓફિશિયલ કેપ્ટન છે, એ અલગ વાત છે કે તેણે અને વિરાટ કોહલીએ એક વર્ષથી કોઈ ટી-20 મેચ રમી નથી.
Published On - 7:03 pm, Sun, 7 January 24