રોજનું 200 રૂપિયા ભથ્થું, સ્વાગત માટે પૈસા નહીં, વર્લ્ડ ચેમ્પિયન ટીમ અને કેપ્ટનની આવી હતી હાલત

ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવની કપ્તાનીમાં વર્ષ 1983માં પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારથી ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો છે. તે સમયે ટીમ ઈન્ડિયાની મેચ ફી આજના મુકાબલે ઘણી ઓછી હતી. તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ બહુ સમૃદ્ધ નહોતું અને તેમની પાસે ખેલાડીઓનું સન્માન કરવા માટે ફંડ પણ નહોતું.

રોજનું 200 રૂપિયા ભથ્થું, સ્વાગત માટે પૈસા નહીં, વર્લ્ડ ચેમ્પિયન ટીમ અને કેપ્ટનની આવી હતી હાલત
Kapil Dev
| Updated on: Jan 06, 2024 | 8:02 AM

અત્યારે ક્રિકેટની દુનિયામાં ભારતનું કદ ઘણું ઊંચું છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા કોઈપણ ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે તે દાવેદાર હોય છે. આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વખાણ થઈ રહ્યા છે. પણ પહેલા આવું નહોતું. એક સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયા મોટી ટીમ નહોતી. તેને હરાવવાનું સરળ માનવામાં આવતું હતું, પછી 1983 આવ્યું અને બધું બદલાઈ ગયું. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ બધાને ચોંકાવી દીધા અને વર્લ્ડ ચેમ્પિયન બની.

આજે કપિલ દેવનો જન્મદિવસ છે

કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ ટીમ ટાઈટલ જીતશે પરંતુ આ ટીમે ફાઇનલમાં તે સમયની સૌથી મજબૂત ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ બધું કપિલ દેવની કેપ્ટનશીપમાં કર્યું જેનો આજે જન્મદિવસ એટલે કે 6 જાન્યુઆરી છે.

1983 બાદ બદલાઈ ટીમ ઈન્ડિયાની કિસ્મત

તે સમયે ભારતને ક્રિકેટમાં નબળી ટીમ માનવામાં આવતી હતી, પરંતુ આ વર્લ્ડ કપ પછી બધું બદલાઈ ગયું. આજે ટીમ ઈન્ડિયા રમતગમત અને કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે. 1983માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને જે ફી મળતી હતી તે આજની સરખામણીમાં ઘણી ઓછી હતી.

ખેલાડીઓને દરરોજ 200 રૂપિયાનું ભથ્થું મળતું હતું

જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેના ખેલાડીઓને ઘણી ઓછી ફી મળતી હતી. 21 સપ્ટેમ્બર 1983ની ટીમ ઈન્ડિયાની પે સ્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર ખૂબ વાયરલ થઈ છે. ટીમ વર્લ્ડ કપ જીત્યા પછી પણ ખેલાડીઓને મળતો પગાર ઘણો ઓછો હતો. આ સ્લિપ મુજબ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને દરરોજ 200 રૂપિયાનું ભથ્થું મળતું હતું અને તે સિવાય તેમને 1500 રૂપિયા મેચ ફી મળતી હતી. ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવને પણ આટલી જ મેચ ફી મળી હતી. આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એક ODI મેચ માટે 6 લાખ રૂપિયા મળે છે. આ તફાવત પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે કમાણીના મામલે ટીમ ઈન્ડિયા ક્યાં પહોંચી છે.

ટીમના સ્વાગત કરવા માટે પૈસા ન હતા

તે સમયે BCCIની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 1983માં વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાનું સન્માન કરવા અને ઈનામ આપવા ઈચ્છતી હતી, પરંતુ તેમની પાસે તેના માટે ફંડ નહોતું. ત્યારબાદ ક્રિકેટ પ્રશાસક રાજસિંહ ડાંગુરપુરાએ BCCIના તત્કાલિન પ્રમુખ એનકેપી સાલ્વેને એક સૂચન આપ્યું અને કહ્યું કે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને દિલ્હીમાં એક કાર્યક્રમ કરવા માટે કહી શકાય અને તેમાંથી મળેલા પૈસાની મદદથી ટીમનું સન્માન કરી શકાય. લતા મંગેશકર ક્રિકેટના ચાહક હતા અને તેઓ પણ આ માટે સંમત હતા. આ પ્રોગ્રામથી 20 લાખ રૂપિયાની કમાણી થઈ અને દરેક ખેલાડીને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માટે લતાએ એક પણ પૈસો લીધો ન હતો.

ભારતીય ક્રિકેટની તસવીર બદલાઈ ગઈ

1983નો વર્લ્ડકપ જીતનારી ટીમના ઘણા ખેલાડીઓએ ખુલ્લેઆમ કબૂલ્યું છે કે તેમને પણ ટીમની જીતમાં વિશ્વાસ નહોતો, પરંતુ કપિલ દેવે ટીમમાં એવી આગ ભરી દીધી કે ટીમે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમને હરાવી. ત્યાંથી ભારતીય ક્રિકેટની તસવીર બદલાઈ ગઈ અને આજે ક્રિકેટ જગતમાં ટીમ ઈન્ડિયાનું સ્થાન ઘણું મોટું છે.

મહાન કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ

કપિલની ગણતરી વિશ્વના મહાન કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. કપિલે ભારત માટે 131 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 434 વિકેટ લીધી અને 5248 રન બનાવ્યા. જ્યારે કપિલે ભારત માટે 225 ODI મેચ રમી અને 253 વિકેટ લેવાની સાથે 3783 રન બનાવ્યા. એક સમયે તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કર્ટની વોલ્શે તોડ્યો હતો.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 19 વર્ષની ખેલાડીએ મચાવી તબાહી

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો