5 રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર અંગે સોનિયા ગાંધીએ નિરાશા વ્યક્ત કરી, પાર્ટીના નેતાઓને હારમાંથી શીખવાનું કહ્યું

સોનિયા ગાંધી પહેલા Congress કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, કપિલ સિબ્બલ રોષ વ્યક્ત કરી ચુક્યા છે.

5 રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર અંગે સોનિયા ગાંધીએ નિરાશા વ્યક્ત કરી, પાર્ટીના નેતાઓને હારમાંથી શીખવાનું કહ્યું
FILE PHOTO

હાલમાં જ 5 રાજ્યોમાં યોજયેલી વિધાનસભા ચૂંટણીઓમાં Congress ની કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં અંદરો અંદર જ ઘમાસાણ ઉભું થયું છે. આઝાદી બાદ કોંગ્રેસની આટલી કારમી હારની ઘટના પાર્ટી માટે ખુબ શરમજનક બાબત છે. એક બાજુ રાહુલ ગાંધી કોંગ્રેસની હાર ના બદલે ભાજપા પશ્ચિમ બંગાળમાં સત્તા ન મેળવી શકી એના પર ટ્વીટ કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીમાં જ અંદરોઅંદર નારાજગી છવાયેલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, કપિલ સિબ્બલ બાદ હવે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે.

સોનિયા ગાંધીએ હારમાંથી શીખ મેળવવા કહ્યું
Congress ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાજેતરમાં 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નબળા પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરી છે અને પાર્ટીના નેતાઓને હારમાંથી શીખવાનું કહ્યું છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની સંસદીય બેઠકમાં પાર્ટીના નેતાઓ સમક્ષ આ વાત કહી હતી. સોનિયા ગાંધીએ કહ્યું છે કે પાર્ટી તરીકે આપણે બધાએ આ હારથી પ્રામાણિકતા સાથે શીખવું જોઈએ. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે.

પાંચ રાજ્યોમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન
પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં Congress પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. પાર્ટીને આશા હતી કે તે કેરળમાં સારૂ પ્રદર્શન કરશે અને સરકાર બનાવવામાં સક્ષમ બનશે, પરંતુ ત્યાં પણ કોંગ્રેસ પાર્ટી બીજી વખત વિધાનસભાની ચૂંટણી હારી ગઈ. આસામમાં પણ પાર્ટીને સતત બીજી વખત વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં, તેના સાથી ડીએમકે સાથે તમિળનાડુમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેણે 18 બેઠકો જીતી લીધી છે, પરંતુ પાર્ટીએ પોંડીચેરીમાં માત્ર 2 બેઠકો જીતી છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને કપિલ સિબ્બલે રોષ વ્યકત કર્યો
5 રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર બદલ કોંગ્રેસના બે મોટા નેતાઓ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને કપિલ સિબ્બલે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે રાજ્યના Congress પ્રમુખો અને મહામંત્રીની જવાબદારી પાર્ટીને ચૂંટણીમાં જીત અપાવવાની છે. પરંતુ આ ચૂંટણીમાં આ તમામ અધિકારીઓ પાર્ટીને કોઈ પણ રાજ્યમાં મજબૂત સ્થાન અપાવી શક્યા નથી. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ટ્વીટમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રભારી કેસી વેણુગોપાલનું રાજીનામું માંગ્યું છે. તેમણે રાજ્યના કોંગ્રેસ પ્રમુખો અને ચૂંટણીવાળા પાંચેય રાજ્યોના પ્રભારીના તાત્કાલિક રાજીનામાની પણ માંગ કરી છે. આ ઉપરાંત કપિલ સિબ્બલે પણ પાર્ટીમાં મનોમંથન કરવાની સલાહ આપી છે.