રાહુલ ગાંધીએ કહ્યું, દાદીનો કટોકટીનો નિર્ણય ખોટો હતો, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી લાવવી જરૂરી

રાહુલ ગાંધીએ અમેરિકાની કોર્નવેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બાસુ સાથેની વાતચીતમાં કહ્યુ કે દાદી ઇન્દિરા ગાંધીનો ઈમરજન્સીનો નિર્ણય ખોટો હતો.

  • tv9 webdesk37
  • Published On - 12:17 PM, 3 Mar 2021
રાહુલ ગાંધીએ કહ્યું, દાદીનો કટોકટીનો નિર્ણય ખોટો હતો, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી લાવવી જરૂરી
રાહુલે કહ્યું કટોકટી એ ભૂલ હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કટોકટીના નિર્ણયને એમની ભૂલ કહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે તે સમયગાળામાં જે બન્યું તે ખોટું હતું, પરંતુ જો વર્તમાન યુગ સાથે સરખામણી કરીએ તો પરિસ્થિતિ એકદમ અલગ હતી. તે સમયે કોંગ્રેસે ક્યારેય સંસ્થાકીય બંધારણ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો ન હતો. અમેરિકાની કોર્નવેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બાસુ સાથેની વાતચીતમાં રાહુલે આ વાત કહી હતી. રાહુલે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં આંતરિક લોકશાહીની તરફેણ કરે છે. આ પાર્ટીએ દેશની આઝાદી લડત લડી છે. દેશને બંધારણ આપ્યું અને હંમેશાં સમાનતા માટે ઉભી રહી.

જ્યારે તેમને કટોકટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલે કહ્યું કે, હું માનું છું કે તે એક ભૂલ હતી. તે સમયગાળામાં જે બન્યું તે ચોક્કસપણે ખોટું હતું. પરંતુ આજના યુગમાં જે બની રહ્યું છે એ તે સમયથી સાવ જુદું છે. તે સમયે કોંગ્રેસે ક્યારેય સંસ્થાકીય બંધારણ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેની પાસે આવું કરવાની ક્ષમતા પણ નહોતી. આપણું સ્ટ્રક્ચર એવું છે કે ઈચ્છીને પણ થઇ શકે નહીં.

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, હાલની સરકાર ભારતની લોકશાહીને નુકસાન કરી રહી છે. ભારતની દરેક સંસ્થાની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. આરએસએસ દરેક જગ્યાએ પ્રવેશ કરી રહ્યું છે. પછી ભલે તે કોર્ટ હોય, ચૂંટણી પંચ હોય કે કોઈ સ્વતંત્ર સંસ્થા હોય દરેક પર વિચારધારાથી આ લોકોના તાબા હેઠળ છે. તેમણે કહ્યું કે, કોર્ટ દ્વારા મીડિયાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જો આપણે ચૂંટણીમાં જીત મેળવીએ તો પણ સંસ્થાઓના આવા લોકોથી છૂટકારો નથી મળતો.

ઓનલાઈન વાતચીતમાં અત્યારના સમય વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને સંસદમાં બોલવાની છૂટ નથી. ન્યાયતંત્રની અપેક્ષા નથી. આરએસએસ-ભાજપ પાસે જબરદસ્ત આર્થિક શક્તિ છે. ઉદ્યોગપતિઓને વિપક્ષની તરફેણમાં ઉભા રહેવાની મંજૂરી નથી. લોકશાહી પર આ ઇરાદા પૂર્વકના હુમલા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને ત્યારે તેમની જ પાર્ટીના લોકો દ્વારા એની ટીકા કરી હતી. રાહુલે કહ્યું કે ત્યારે મેં મારા પક્ષના લોકોને કહ્યું હતું કે પાર્ટીમાં આંતરિક લોકશાહી લાવવી જરૂરી છે.

રાહુલે કહ્યું કે હું પહેલો એવો વ્યક્તિ છું જે કહે છે કે પાર્ટીના અંદર લોકતાંત્રિક ચૂંટણી મહત્વપૂર્ણ છે. પરંતુ મારા માટે રસપ્રદ છે કે આ પ્રશ્ન અન્ય કોઈ પાર્ટીને પૂછવામાં નથી આવતો. કોઈએ પૂછ્યું કે ભાજપ, બસપા અને સમાજવાદી પાર્ટીમાં આંતરિક લોકતંત્ર કેમ નથી. હું એ વ્યક્તિ છું જેણે યુવા સંગઠન અને છાત્ર સંગઠનની ચૂંટણીને આગળ વધારી અને આ માટે મીડિયાએ મને વખોડ્યો હતો. મારા પર ચૂંટણી માટે મારી જ પાર્ટીના લોકોએ શાબ્દિક હુમલો કર્યો હતો.