LOKSABHA: રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસવાના આરોપની પ્રતિક્રિયા આપતા લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ટાગોરનું અપમાન કરવાનો આરોપ ખોટો છે. તેમણે કહ્યું હતું કે ‘અધિર રંજન ચૌધરીએ મારા પર આક્ષેપ કર્યા, તે તેમની ભૂલ નથી, આ કોંગ્રેસ પાર્ટીની સમસ્યા છે.
હું ગુરુદેવની ખુરશી પર બેઠો નહોતો, પણ ઓન રેકોર્ડ જવાહરલાલ નેહરુની ટાગોરની ખુરશી પર બેઠા હતા એ ફોટો મારી પાસે છે. રાજીવ ગાંધી પણ ગુરુદેવના સોફા પર બેસીને ચા પીધી હતી. તેમણે કહ્યું કે પ્રણવ મુખર્જી અને જ્યાં રાજીવ ગાંધી બેઠા હતા, ત્યાં હું પણ બેઠો હતો.
લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો ફોટો.
અધિર રંજન ચૌધરી પર વરસ્યા અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના આરોપોના જવાબ આપ્યા હતા. ગૃહપ્રધાને કહ્યું કે સદનમાં જયારે કોઈ વાત કરવામાં આવે તો વાત કરતા પહેલા તથ્યોની તપાસ કરી લેવી જોઇએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાંથી વસ્તુઓ લઈને અહી સદનમાં મુકવાથી સદનની ગરિમાને નુકસાન પહોચે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની પૃષ્ઠભૂમિને કારણે અધિર રંજન ચૌધરીના મનમાં ગેરસમજ થઈ શકે છે. હમેશ માટે આ તથ્યોને લોકસભાની કાર્યવાહીના રેકોર્ડનો ભાગ બને, આથી હું આ ચિત્રો લોકસભા પટલ પર મૂકવા માંગુ છું. અમિત શાહે કહ્યું કે આ સંદર્ભમાં વિશ્વ ભારતીના કુલપતિનો પત્ર પણ રેકોર્ડ તરીકે લોકસભાના પટલ પર મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તેમના નિવેદન સંબંધિત કેટલાક ફોટોગ્રાફ્સ લોકસભા ગૃહમાં પણ રજૂ કરાયા હતા.
લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો ફોટો
લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ફોટો
શું છે સમગ્ર વિવાદ ? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તાજેતરમાં જ બંગાળની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ હતી કે શાંતિનિકેતનની મુલાકાત દરમિયાન અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશીમાં બેઠા હતા.સોશિયલ મીડિયા પર થયેલી આ ચર્ચાઓ બાદ કોંગ્રેસ સહિત TMCએ પણ અમિત શાહ પર આરોપો લગાવ્યા હતા. લોકસભામાં ગઈકાલે વિપક્ષનેતા અધિર રંજન ચૌધરીએ સદનમાં ફરીથી આ જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો ગૃહપ્રધાન અમિત શાહે સદનમાં પુરાવા સાથે જવાબ આપ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે શાંતિનિકેતનમાં રાજીવ ગાંધી, જવાહરલાલ નેહરુ, પ્રણવ મુખરજી અને પ્રતિભા પાટીલના ફોટો રજૂ કર્યા હતા.
લોકસભામાં રજૂ કરવામાં આવેલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો ફોટો