Vijay Rupani Resignation: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો છે. વિજય રૂપાણીના સ્થાને નવા મુખ્યપ્રધાનના નેતૃ્ત્વમાં 2022ની ચૂંટણી લડાશે.

Vijay Rupani Resignation:  ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન
Home Minister Pradipsinh Jadeja could be the Deputy Chief Minister of Gujarat

Vijay Rupani Resignation:  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે મુખ્યપ્રધાનનો ચહેરો બદલ્યો છે. વિજય રૂપાણીના સ્થાને નવા મુખ્યપ્રધાનના નેતૃ્ત્વમાં 2022ની ચૂંટણી લડાશે. જો કે ચૂંટણી જીતવા માટે સામાજીક સમિકરણોને ધ્યાને રાખીને ભાજપ આ વખતે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ એવા પ્રદિપસિંહ જાડેજાને નાયબ મુખ્યપ્રધાન બનાવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

મોદી-શાહના વિશ્વાસુ
ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીને બદલ્યા બાદ, રાજકીય ક્ષેત્રે થઈ રહેલી ચર્ચા મુજબ ભાજપ હવે પાટીદારની સાથેસાથે ઓબીસી અને ક્ષત્રિય સમાજને પણ પૂરતુ પ્રધાન્ય આપવા ઈચ્છે છે. જેના ભાગરૂપે જ પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન આપીને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન બનાવાઈ શકે છે. ગુજરાતના ગૃહપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર જાળવી રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ તરીકે ઉભરી આવ્યા છે.

ક્ષત્રિય સમાજનું નેતૃત્વ
ગુજરાતમાં ક્ષત્રિય સમાજનુ નેતૃ્ત્વ કરવામાં પણ પ્રદિપસિહ સફળ પૂરવાર થયા છે. વિધાનસભાની ગત ચૂટણીમાં ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી સામે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવામાં પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથેસાથે પ્રદિપસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ ભાજપમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ કે જાડેજાની સાથેસાથે ક્ષત્રિય સમાજના પ્રબળ આગેવાન તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તો બીજીબાજુ ગુજરાતમાં એક સમયે ફેલાયેલા જ્ઞાતિ જાતિના રાજકારણમાં પણ ગૃહપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજાએ સારી રીતે કામગીરી કરીને રાજ્યમાં જાતિવાદને ઉગતા જ ડામી દેવામાં સફળ પૂરવાર થયા હતા. ક્ષત્રિય તરીકે ગુજરાતમાંથી તેઓ એકમાત્ર ગૃહપ્રધાન તરીકે રહ્યાં છે.

રાજકીય કારકિર્દી
ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની સારી કામગીરીથી પ્રદિપસિંહ જાડેજાની પ્રતિભા રાજ્યસ્તરે ઝળકી ઉઠી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1995થી કોર્પોરેટર તરીકે પણ સારી કામગીરી બજાવી હતી. પ્રદિપસિંહ જાડેજા ગુજરાત વિધાનસભામાં 2002થી સતત ચૂંટાઈ આવે છે. 2002માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક ( નવા સિમાંકન મુજબ આ બેઠક હવે અનુસુચિત જાતિ માટે અનામત થઈ છે ) પરથી જીત્યા હતા. જો કે નવા સિંમાકન બાદ પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ શહેરની જ વટવા બેઠક પરથી જીત્યા છે.

ગુજરાતમા પ્રદિપસિંહ જાડેજા, ગૃહપ્રધાન ઉપરાંત કાયદો અને ન્યાય, પ્રોટોકોલ, સંસદિય બાબતો, યાત્રાધામ વિકાસ સહિતના વિભાગોના પ્રધાન પણ રહી ચૂક્યા છે. પ્રદિપસિંહ જાડેજા અગિયારમી ગુજરાત વિધાનસભા, 2002થી 2007, બારમી ગુજરાત વિધાનસભા, 2007થી 2012, તેરમી ગુજરાત વિધાનસભા, 2012થી 2017 અને 14મી ગુજરાત વિધાનસભા 2017થી 2022માં અમદાવાદની અસારવા અને વટવા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati