અમેરિકાએ ભારતીય ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવા C-17 વિમાન મોકલ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક પગલાં લીધા બાદ ભારતમાંથી અમેરિકામાં સ્થાયી થયેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકાનું લશ્કરી વિમાન C-17 ભારતીય પ્રવાસીઓને દેશનિકાલ કરવા રવાના થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે પ્રવાસીઓ સામે સખત પગલા ભરાયા છે. હવે, ભારતીય ગેરકાયદે પ્રવાસીઓને ભારત પાછા મોકલવા માટે C-17 વિમાન અમેરિકાથી રવાના થયું છે. એક અમેરિકન અધિકારીએ આ જાણકારી આપી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના ઈમિગ્રેશન એજન્ડાને પૂરો કરવા માટે સેનાની મદદ લઈ રહ્યા છે. આ અંતર્ગત, અમેરિકાએ સૈન્યના વિમાનોની મદદથી ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ માત્ર ભારતીયો જ નહીં, પણ મેકસિકન ગેરકાયદે પ્રવાસીઓને પણ કાઢવા માટે અમેરિકા-મેકસિકો સરહદ પર વધારાના સૈનિકોની તૈનાતી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, "C-17 સૈન્ય વિમાન ભારતીય પ્રવાસીઓને ડિપોર્ટ કરવા રવાના થયું છે, પરંતુ તે આગામી 24 કલાકમાં ભારત નહીં પહોંચે."

પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, ટેક્સાસના એલ પાસો અને કેલિફોર્નિયાના સાન ડિયેગોમાં રાખવામાં આવેલા 5,000 થી વધુ ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવા માટે વિમાનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધી, સૈન્ય વિમાનો ગ્વાટેમાલા, પેરૂ અને હોન્ડુરાસના ગેરકાયદે પ્રવાસીઓને પાછા લઈ ગયા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગેરકાયદે વસવાટ કરનારા પ્રત્યે કડક વલણ અપનાવીને ડિપોર્ટેશન અભિયાન શરૂ કર્યું છે. અમેરિકન ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અનુસાર, ડિપોર્ટ કરવા માટે 1.5 મિલિયન લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં 18,000 ભારતીયો પણ સામેલ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ, આશરે 7,25,000 ભારતીય ગેરકાયદે પ્રવાસી અમેરિકા માં વસવાટ કરે છે, જે મેકસિકો અને એલ સલ્વાડોર પછી સૌથી મોટો આંક છે.

પ્રથમવાર અમેરિકાએ ભારતીય ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાની તૈયારી કરી છે. ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે આ મુદ્દે અગાઉ ચર્ચા કરી હતી.ટ્રમ્પે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે ગેરકાયદે વસવાટ કરનારા લોકો પર નિશ્ચિત પગલાં લેવા જરૂરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરએ જવાબ આપતા કહ્યું હતું કે, "ભારત ગેરકાયદે પ્રવાસીઓને ટેકો આપતું નથી. જો આપણા નાગરિકો ગેરકાયદે અમેરિકા માં રહે છે અને અમે તેની પુષ્ટિ કરી શકીએ, તો અમે તેમની પરત ફરવાની વ્યવસ્થા કરીશું."
અમેરિકામાં ટ્રમ્પ સરકાર બન્યા પછી કેટલાલ નવા કાયદા અમલમાં આવ્યા છે જેમાંથ એક છે ગેરકાયદે રહેતા પ્રવાસીઓ, અમેરિકા આ બાબતે ઘણા નિયમ લાવે છે, તમે જો આ અંગેના તમામ સમાચાર વાંચવા ઇચ્છકા હોય તો અહીં ક્લીક કરો.

































































