
વિદેશી નાગરિકો યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતી વખતે H-1B સ્ટેટસ મેળવી શકે છે અને તેમની પાસે ભૌતિક H-1B વિઝા સ્ટેમ્પ હોઈ પણ શકે છે. આ વિઝા ખાસ કરીને હાઇ સ્કિલ ધરાવતા પ્રોફેશનલ્સ માટે છે.

H-1B વિઝા ધારકોને સામાન્ય રીતે અમેરિકામાં શરૂઆતમાં ત્રણ વર્ષ રહેવાની મંજૂરી મળે છે. આ સમયગાળો વધારીને વધુમાં વધુ 6 વર્ષ સુધી લંબાવી શકાય છે. જો ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં જરૂરી તબક્કાઓ પૂર્ણ થાય તો 6 વર્ષ પછી પણ વિઝાની અવધિ વધારવાની તક મળે છે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં H-1B વિઝા એક મહત્વનો મુદ્દો છે, કારણ કે જ્યારે પણ અમેરિકા આ વિઝા સંબંધિત નિયમો કડક કરે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ ભારતીય IT કંપનીઓ અને ત્યાં કામ કરતા પ્રોફેશનલ્સ પર પડે છે.

H-1B વિઝા ભારતીયો માટે ખૂબ જ ખાસ છે કારણ કે તે તેમને યુએસમાં હાઇ સ્કિલ નોકરીઓમાં કામ કરવાની તક આપે છે. અમેરિકન કંપનીઓ ઉપરાંત ભારતીય IT કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ, TCS, વિપ્રો, HCL અને ટેક મહિન્દ્રા સૌથી વધુ કર્મચારીઓને H-1B વિઝા પર અમેરિકામાં મોકલે છે.

ઘણા ભારતીયો H1B પર અમેરિકા જાય છે અને પછી ત્યાં ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. વાસ્તવમાં ગ્રીન કાર્ડ એ એક દસ્તાવેજ છે, જે વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે. ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને 'Lawful Permanent Resident' (LPR) કહેવામાં આવે છે.

જો ટ્રમ્પ સરકારમાં H-1B વિઝા અંગે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે, તો તેની સૌથી વધુ અસર ભારતીયો પર પડશે. આવું એટલા માટે કેમ કે, ભારતીયો આ વિઝાના સૌથી મોટા લાભાર્થી છે. યુએસ વિઝા એટલે કે ઇન્ટરવ્યૂ વેવર પ્રોગ્રામની ડ્રોપ બોક્સ સુવિધા 2 સપ્ટેમ્બર, 2025 થી મોટાભાગની 'નોન-ઇમિગ્રન્ટ વિઝા' શ્રેણીઓ માટે બંધ કરવામાં આવી છે.

આનો અર્થ એ છે કે, વર્ક વિઝા (H1B), સ્ટુડન્ટ વિઝા (F1) અને અન્ય સામાન્ય વિઝા માટે અરજી કરનારા બધા લોકોએ હવે યુએસ એમ્બેસીમાં વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આપવો પડશે. આ ખાસ કરીને ટેક વર્કર્સ અને ભારતના વિદ્યાર્થીઓને અસર કરશે, કારણ કે તેઓ ઘણીવાર H1B અને F1 વિઝાનો ઉપયોગ કરે છે.

પ્રવાસી અને વિદ્યાર્થી માટે અમેરિકામાં વિઝા પ્રક્રિયામાં ઇન-પર્સન (વ્યક્તિગત) ઇન્ટરવ્યુ સામાન્ય રીતે એક જરૂરી પગલું છે. આ માટે અરજદારે યુએસ એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ત્યાં એક અધિકારી વિઝા અરજીની યોગ્યતા, અંગ્રેજી ભાષા પરની પકડ અને પ્રવાસના હેતુનું મૂલ્યાંકન કરે છે. ભારતમાંથી H-1B વિઝા માટે અરજદારોની સંખ્યા વધુ હોવાથી આવા ફેરફારોનો સીધો પ્રભાવ ભારતીય પ્રોફેશનલ્સ પર પડે છે.