
ચાઇના યુનિવર્સિટી ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ લોના પ્રોફેસર લિયુ ઝીપેંગે જણાવ્યું કે, "ચીનનું કેપિટલ માર્કેટ ફાઇનાન્સર્સ માટે સ્વર્ગ અને રોકાણકારો માટે નરક રહ્યું છે. નવા સિક્યોરિટીઝ ચીફે કેટલાક સુધારા કર્યા છે પરંતુ નિયમનકારો અને એક્સચેન્જો હંમેશા ફાઇનાન્સિંગ બાજુ તરફ ઝુકાવ રાખે છે."

આ વર્ષે CSI 300 ઇન્ડેક્સમાં 7% કરતા ઓછો ગ્રોથ થયો છે. અમેરિકા અને યુરોપના બજારોની તુલના કરતા આ ગ્રોથ ઘણી ઓછી છે. નબળા પ્રદર્શન અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિને કારણે ચીનનો બચત દર 35% સુધી પહોંચી ગયો છે. એસેટ મેનેજમેન્ટમાં કામ કરતા ચેન લોંગે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે, તાજેતરના તેજીનો પીછો કરતા મોટાભાગના લોકો નુકસાન સહન કરે છે. તેમણે કહ્યું કે, "સરકારી કંપનીઓ શેરધારકોને નહીં પરંતુ સરકારને જવાબદાર હોય છે. ઘણી ખાનગી કંપનીઓના પ્રમોટરો નાના રોકાણકારોની ચિંતા કરતા નથી."

છેલ્લા એક વર્ષથી ચીની સરકાર સંપત્તિ ઉત્પન્ન કરવાના માર્ગ તરીકે શેરબજારનો ઉપયોગ કરવાના મહત્વને સમજી રહી છે. પ્રોપર્ટી માર્કેટમાં મંદી અને સામાજિક સુરક્ષાના અભાવે અસુરક્ષા વધી છે. ડિસેમ્બરમાં કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ "હાઉસિંગ અને શેરબજારને સ્થિર કરવાનું" વચન આપ્યું હતું.

લોટસ એસેટ મેનેજમેન્ટના મુખ્ય રોકાણ અધિકારી હાઓ હોંગે કહ્યું કે, ઘરેલું વિશ્વાસ વધારવાનો એકમાત્ર રસ્તો શેરબજારમાં તેજી છે પરંતુ બજારની સમસ્યાઓ દાયકાઓ જૂની છે. ચાઇના ચીફ ઇકોનોમિસ્ટ ફોરમના અધ્યક્ષ લિયાન પિંગે કહ્યું કે, "આ એક્સચેન્જો સરકારની ફંડિંગની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રેરિત છે પરંતુ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે ઓછી પ્રેરણા ધરાવે છે."

વર્ષ 2022 માં ચીન વિશ્વનું સૌથી મોટું IPO બજાર હતું પરંતુ શેરધારકો માટે અપૂરતી સુરક્ષા અને IPO છેતરપિંડીની દેખરેખને કારણે શેરના ભાવમાં ઘટાડો થયો તેમજ ઘણી કંપનીઓને ડિલિસ્ટ કરવામાં આવી.

ઉદાહરણ તરીકે, વર્ષ 2019 માં લિસ્ટેડ થયેલી બેઇજિંગ ઝુઓજિયાંગ ટેકનોલોજીએ વર્ષ 2023 માં દાવો કર્યો હતો કે, તેની પ્રોડક્ટ Nvidia જેવી જ છે પરંતુ ડિસ્ક્લોઝર ઉલ્લંઘનની તપાસ બાદ વર્ષ 2024 માં શેનઝેન એક્સચેન્જમાંથી તેને ડિલિસ્ટ કરવામાં આવ્યું.

તાજેતરના વર્ષોમાં ખરાબ ક્વોલિટીના IPO અને નાણાકીય છેતરપિંડી પર કડક કાર્યવાહીમાં વધારો થયો છે. લિસ્ટેડ કંપનીઓ વધારાના શેર જારી કરવાનો અને મુખ્ય શેરધારકોનું વેચાણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2024 માં, શાંઘાઈ અને શેનઝેનમાં કંપનીઓએ 2.4 ટ્રિલિયન યુઆન ($334 બિલિયન) નું રોકડ ડિવિડન્ડ ચૂકવ્યું, જે પાછલા વર્ષ કરતા 9% વધારે છે.