‘રિટાયરમેન્ટ પ્લાનિંગ’ કરવાનું વિચારી રહ્યા છો? ‘NPS, PPF કે EPF’ આ 3 સ્કીમમાંથી શેમાં રોકાણ કરવું ફાયદાકારક?
રિટાયરમેન્ટ બાદ એક સ્થિર આવક મેળવવા માટે લોકો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) જેવી સ્કીમમાં રોકાણ કરે છે. હવે આ 3 માંથી કઈ સ્કીમ સારું રિટર્ન આપે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. એવામાં ચાલો સમજીએ કે, તમારા માટે કઈ સ્કીમ બેસ્ટ છે....

રિટાયરમેન્ટ પછી દરેક વ્યક્તિ એક ચોક્કસ આવકની શોધમાં હોય છે. આ કારણોસર લોકો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) જેવી સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરે છે.

EPF: જો તમે સેલેરીડ કર્મચારી છો, તો EPF (Employees’ Provident Fund) એક સરળ રિટાયરમેન્ટ ઓપ્શન છે. આમાં તમારા પગારનો એક ભાગ દર મહિને તેમાં જમા થાય છે અને એમાં એમ્પ્લોયર સમાન રકમનું યોગદાન આપે છે. સરકાર આ રકમ પર વાર્ષિક વ્યાજ જાહેર કરે છે, જે હાલમાં 8.25% છે. EPF નો સૌથી મોટો ફાયદો એ છે કે, તમારી બચત આપમેળે જ થઈ જાય છે. નિવૃત્તિ સમયે આ રકમ એકસાથે પ્રાપ્ત થાય છે, જ્યારે ઘર ખરીદવા અથવા મેડિકલ ખર્ચ માટે જરૂર પડે તો આંશિક ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે.

PPF: જે લોકો નોકરી કરતા નથી અથવા EPF ઉપરાંત વધારાની બચત કરવા માંગતા હોય, તેમના માટે Public Provident Fund (PPF) એક સારો વિકલ્પ છે. આ સ્કીમમાં 15 વર્ષના લોક-ઇન સમયગાળા સાથેનું સલામત રોકાણ કરી શકાય છે. હાલમાં, આ સ્કીમમાં 7.1% વ્યાજ દર મળી આવે છે અને આનો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે, વ્યાજ અને મેચ્યોરિટી બંને સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી છે. આ સ્કીમમાં સાતમાં વર્ષ પછી આંશિક ઉપાડની પણ સુવિધા છે.

NPS: આ સ્કીમ બાકીની બે યોજનાઓથી અલગ છે, કારણ કે તે સંપૂર્ણપણે બજાર-લિંક્ડ હોય છે. આ સ્કીમમાં તમારા રૂપિયા શેરબજાર, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. આમાં રિટર્ન ફિક્સ નથી હોતું પરંતુ સરેરાશ 8% થી 12% સુધીનું વળતર મળી આવે છે. નિવૃત્તિ સમયે, તમે તમારા કુલ ફંડના 60% 'ટેક્સ-ફ્રી' ઉપાડી શકો છો અને બાકીના 40% માં તમે એન્યુટીનો ઉપયોગ કરીને પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં લાંબાગાળે ગ્રોથની સંભાવના છે પરંતુ તે બજારના વધઘટને પણ આધીન છે.

ઓવરઓલ જોઈએ તો, જો તમે સ્થિરતા ઇચ્છતા હોવ, તો EPF અને PPF તમારા માટે એક સુરક્ષિત વિકલ્પ છે. આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય છે, જે વધારે જોખમ લેવા માંગતા નથી. બીજીબાજુ NPS એવા લોકો માટે યોગ્ય છે કે, જેઓ લાંબાગાળાના રિટર્ન માટે જોખમ લઈ શકે.

નિષ્ણાતોના મતે, ત્રણેય યોજનાઓનું મિશ્રણ એક બેસ્ટ વિકલ્પ છે. EPF ની સ્થિરતા, PPF માં ટેક્સ-ફ્રી ગ્રોથ અને NPS માં બજાર એક્સપોઝર તમારા રિટાયરમેન્ટ પ્લાનને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: જેનો પગાર ₹ 50,000 હશે તેનો ₹1,00,000 થશે ! 8મા પગાર પંચની સંપૂર્ણ ગણતરી સમજો
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
