
સેબી એ સંકેત આપવા માંગે છે કે, તે શિક્ષણના નામે રિટેલ ટ્રેડર્સને ગેરમાર્ગે દોરનારા અને બજારને પ્રભાવિત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. સાઠેની વાત કરીએ તો, તેઓ મહિનાઓથી સેબીની તપાસ હેઠળ હતા.

સૂત્રો અનુસાર, અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી એટલે કે ASTA ફક્ત તાલીમ આપવા સુધી મર્યાદિત નથી. સાઠે વિદ્યાર્થીઓને પેની સ્ટોક્સ વિશે સલાહ આપતો અને પ્રાઇવેટ વોટ્સએપ ગ્રુપ્સ પર ટિપ્સ પણ આપતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, સાઠે ઓપરેટરો અથવા પ્રમોટરો સાથે મળીને વિદ્યાર્થીઓ સુધી પેની શેરની માહિતી પહોંચાડતો હતો. હવે આ માહિતી વાંચ્યા બાદ સ્ટુડન્ટ્સ વિચાર્યા વિના શેર ખરીદતા હતા અને આશા રાખતા હતા કે તેમના 5 રૂપિયા 500 રૂપિયા સુધી પહોંચી જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઠેના યુટ્યુબ પેજ પર વિશ્વાસ કરીને એક ગૃહિણીએ તેમના સત્રોમાં હાજરી આપી, ટ્રેનિંગ લીધી અને પછી ટ્રેડિંગ દ્વારા માત્ર અઢી વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાયા હતા. જણાવી દઈએ કે, આ ફક્ત એક ઉદાહરણ છે. તેમના પેજ પર આવા ઘણા ટેસ્ટીમોનિયલ્સ અથવા ફીડબેક છે.

એક હકીકત એ છે કે, અન્ય ફિનફ્લુએન્સર અને માર્કેટ પાર્ટિસિપન્ટે ઘણીવાર સાઠે પર 'ટ્રેડિંગ એકેડેમી' દ્વારા વ્યક્તિગત લાભ માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. વર્ષ 2023 માં, સેબીમાં રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર રિતેશ ગુલરાજાનીએ સાઠે સામે અનૌપચારિક ફરિયાદ કરી હતી.

'અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી' વર્ષ 2008 માં શરૂ કરવામાં આવી હતી. આજે તેની મુંબઈ, દિલ્હી અને બેંગલુરુથી લઈને ભુવનેશ્વર, કોચી અને નાગપુર જેવા નાના શહેરો સુધી દેશભરમાં 17 શાખાઓ છે. આટલું જ નહીં, યુએઈ અને યુનાઇટેડ સ્ટેટ્સના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવે છે. એકેડેમીના કોર્સ અંગ્રેજી, હિન્દી, તમિલ, મરાઠી અને તેલુગુમાં પણ ઉપલબ્ધ છે. આ એકેડેમીના ઇન્સ્ટાગ્રામ પર 2,37,000 ફોલોઅર્સ છે.

ASTA ના પ્રોગ્રામમાં વેબિનારથી લઈને 3 મહિનાની રેસિડેન્શિયલ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ પ્રોગ્રામોનો ખર્ચ રૂ. 21,000 થી રૂ. 1.7 લાખ સુધીનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્વેસ્ટિંગ અને ટ્રેડિંગનો વ્યવસાય સાઠે માટે ખૂબ જ નફાકારક રહ્યો છે. વર્ષ 2021 માં એકેડેમીમાંથી સાઠેની કમાણી 17 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

વર્ષ 2022 માં, આ આવક વધીને 37 કરોડ રૂપિયા થઈ ગઈ અને પછી વર્ષ 2023 માં તો આ આવક વધીને 86 કરોડ રૂપિયા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2024 માં સાઠેની કમાણી 116 કરોડ રૂપિયા થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. વધુમાં, વર્ષ 2025 માં આંકડો 200 કરોડ રૂપિયાની આસપાસ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, આ આંકડા એક અંદાજ પર આધારિત છે.
Published On - 3:35 pm, Sat, 23 August 25