
નવા માળખામાં વર્તમાન 28% ટેક્સ બ્રેકેટમાં આવતી મોટાભાગની વસ્તુઓ 18% સ્લેબમાં આવશે, જ્યારે 12% સ્લેબમાં આવતી વસ્તુઓ 5% ટેક્સ સ્લેબમાં આવશે. સામાન્ય માણસ અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર 5% GST લાગશે, જ્યારે તમાકુ પ્રોડક્ટસ પર 40% GST લાગશે. ટૂંકમાં કહીએ તો, હવે GSTમાં ફક્ત બે મુખ્ય દર (5% અને 18%) જોવા મળશે, જ્યારે 28% ના દરને દૂર કરવાની વાત ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફક્ત 7-8 વસ્તુઓ પર 40% GST લાગશે અને 28% સ્લેબમાં આવતી અન્ય તમામ પ્રોડક્ટસ પર 18% GST લાગશે.

પ્રસ્તાવિત GST માળખામાં સેસ (CESS) ની કોઈ જોગવાઈ રહેશે નહીં. રાજ્યો જૂની લોનની ચુકવણી પૂર્ણ કરી દેતા જ સેસ વસૂલાત બંધ થશે તેવી સંભાવના છે. એવો અંદાજ છે કે, ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં સેસ સમાપ્ત થઈ શકે છે. વીમા પર 0-5 ટકા GST લાદવાનો પ્રસ્તાવ છે, જ્યારે મોટાભાગની સેવાઓ પર પહેલાની જેમ 18 ટકા GST ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટસને GSTના દાયરામાં લાવવાનો કોઈ પ્રસ્તાવ આપ્યો નથી. ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી પર GST દર વધારીને 40 ટકા કરી શકાય છે કારણ કે 28 ટકાનો દર દૂર કરવાનો પ્રસ્તાવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટીને 18 ટકા થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હવે GSTમાં તમામ દરો સામાન્ય સમજના આધારે નક્કી કરવામાં આવશે.
Published On - 7:35 pm, Fri, 15 August 25