
દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ સોનાના ભાવ રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. મંગળવારે મોડી સાંજે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ 88,852 રૂપિયાની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. બજાર બંધ થયા બાદ તેની કિંમત 88,726 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી હતી. મતલબ કે મંગળવારે સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 11 માર્ચે સોનાનો ભાવ 86,152 રૂપિયા હતો. ત્યારથી, સોનું 2,574 રૂપિયા એટલે કે ફ્યુચર્સ માર્કેટમાં લગભગ 3 ટકા મોંઘું થયું છે.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક-કોમોડિટી સૌમિલ ગાંધીના જણાવ્યા અનુસાર, સોનાએ મંગળવારે તેની વૃદ્ધિ ચાલુ રાખી અને આંતરરાષ્ટ્રીય બજાર તેમજ સ્થાનિક બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, અમેરિકી મંદીના ભય અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાને કારણે સોનું સુરક્ષિત રોકાણ માટે આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. આ ઉપરાંત, તાજેતરના નબળા યુએસ મેક્રો ઇકોનોમિક ડેટાએ પણ અપેક્ષાઓ વધારી છે કે યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષે ઘણી વખત વ્યાજદરમાં ઘટાડો કરશે, જે સોનાને વધુ ટેકો આપશે.