
સોનાની કિંમતોમાં આવતા વધારાનું મુખ્ય કારણ એ છે કે વૈશ્વિક સ્તરે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણનું માધ્યમ માનીને તેમાં મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. અમેરિકામાં નોકરીઓની નવીનતમ અહેવાલ નબળી આવી છે, જેના કારણે ત્યાં વ્યાજદરો ઘટવાની શક્યતા વધી છે. જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે શેરબજારમાં જોખમ વધે છે અને લોકો સોનામાં રોકાણને વરે છે. પરિણામે, વધુ ખરીદીના કારણે ભાવમાં વધારો થયો છે.

બીજું કારણ છે આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવા બાબતે દબાણ કર્યું છે અને મોટા ટેક્સ લગાવાની વાત કરી છે. જેના કારણે રૂપિયો નબળો પડ્યો છે અને ડૉલર સામે તેનો ભાવ 88 સુધી પહોંચી ગયો છે. જ્યારે રૂપિયો નબળો થાય છે ત્યારે આયાત કરાતું સોનું મોંઘું પડે છે અને તેના કારણે ભારતમાં ભાવમાં વધારો નોંધાય છે.

ભારતમાં સોનાની કિંમતનું નિર્ધારણ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત શુલ્ક, કરવેરા, રૂપિયો અને ડૉલર વચ્ચેનો વિનિમય દર તેમજ માંગ અને પુરવઠાની સ્થિતિ. ભારતમાં સોનાનું વપરાશ માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ વ્યાપક છે, તેથી તેની કિંમતોમાં થતા બદલાવનો સીધો અસર લોકોના જીવન પર પડે છે.
Published On - 10:11 am, Wed, 6 August 25