Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ હજુ કેટલા વધશે? ફરીથી બંને ધાતુમાં ઉછાળો જોવા મળ્યો, જાણો આજનો ભાવ
સોમવાર 13 ઓક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. નોંધનીય છે કે, ચાંદીના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.

સોમવાર 13 ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. જણાવી દઈએ કે, 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 1,27,950 પર પહોંચ્યો, જે શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ ₹1,26,000 થી આશરે ₹1950 નો વધારો દર્શાવે છે. 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ ₹1,27,350 પર પહોંચ્યો, જે અગાઉના ₹1,25,400 થી ₹1950 નો વધારો દર્શાવે છે.

LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીના મતે, "અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવે રોકાણકારોને સુરક્ષિત રોકાણ તરફ ધકેલી દીધા છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે." યુએસ વહીવટીતંત્રે ચોક્કસ ચીની ઉત્પાદનો પર 100% વધારાની ટેરિફની જાહેરાત કરી છે, જ્યારે ચીને રેર અર્થ મેટલ્સના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે.

ત્રિવેદીના મતે, આ જિયો-પોલિટિકલ તણાવ અને સતત વધતી રોકાણ માંગ સોનાના વલણને તેજીમાં રાખી રહી છે. સોનાની જેમ, ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો. હાજર બજારમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,79,000 પર પહોંચી ગઈ, જે ગયા શુક્રવારના ₹1,71,500 થી ₹7,500 વધી છે.

વૈશ્વિક બજારમાં, હાજર સોનાનો ભાવ લગભગ 2 ટકા વધીને USD 4,084.99 પ્રતિ ઔંસ થયો, જ્યારે હાજર ચાંદી 3 ટકા વધીને USD 51.74 પ્રતિ ઔંસના નવા રેકોર્ડે પહોંચી છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ જીગર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચાંદીના ભાવમાં વધારો યુએસ-ચીન વેપાર તણાવ, રાજકીય અસ્થિરતા અને યુએસ વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાને કારણે થયો છે. વધુમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 નવેમ્બરથી ચીની ઉત્પાદનો પર વધારાના 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

જો કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની સંભવિત મુલાકાત પહેલાં વાટાઘાટોની શક્યતા ખુલ્લી છે, જેના કારણે વેપાર સંબંધો સામાન્ય થઈ શકે છે. ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે, આ મહિને અને ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા 25 બેસિસ પોઈન્ટ રેટ ઘટાડાની અપેક્ષાઓ અને લંડનમાં ચાંદીના મર્યાદિત પુરવઠાએ પણ ચાંદીના ભાવમાં ટેકો આપ્યો હતો.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
