WPL AUCTION 2023: મહિલા લીગને મળેલી પ્રથમ 5 કરોડપતિ ખેલાડી, વિદેશી ખેલાડીઓની બોલબોલા રહી
WPL AUCTION Frist 5 Crorepati of Women: મહિલા પ્રીમિયર લીગનુ ઓક્શન પણ આશાઓ મુજબ ખૂબ જ શાનદાર રહ્યુ છે. શરુઆતથી જ મહિલા ક્રિકેટરો પર ખૂબ પૈસા વરસી રહ્યા છે.

ભારતીય મહિલા પ્રીમયર લીગનુ પ્રથમ ઓક્શન મુંબઈમાં યોજાઈ રહ્યુ છે. દોઢેક હજારથી વધારે વિશ્વભરની મહિલા ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન મહિલા લીગનો હિસ્સો બનવા માટે કરાવ્યુ હતુ. જેમાંથી 409 મહિલા ખેલાડીઓને શોર્ટ લીસ્ટ કરવામાં આવી હતી. જે ખેલાડીઓનુ ઓક્શન હાલમાં યોજાઈ રહ્યુ છે. ઓક્શનની શરુઆત શાનદાર રહી છે. શરુઆતથી જ મહિલા ક્રિકેટરો પર ખૂબ પૈસા વરસવા લાગ્યા છે. પ્રથમ કલાક ઓક્શનનો પુર્ણ થાય એ પહેલા જ પ્રથમ પાંચ કરોડપતિ મહિલા ક્રિકેટરો નોંધાઈ હતી. જેમાં બે ભારતીય અને ત્રણ વિદેશી ખેલાડી રહી છે.

ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને ઓપનર ખેલાડી સ્મૃતિ મંધાના પર સૌથી પહેલા બોલી બોલાઈ હતી. મંધાના માટે ખૂબ સ્પર્ધા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જામી હતી. જેમાં બેંગ્લોરે અંતે 3.40 કરોડ રુપિયાની બોલી સાથે મંધાનાને પોતાની સાથે જોડી લીધી હતી. મંધાના પર ખૂબ પૈસા વરસ્યા હતા અને હવે બેંગ્લોરની કેપ્ટનના રુપમાં જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ યાદીમાં શરુઆતમાં બીજા નંબરની કરોડપતિ ખેલાડી રહી છે. મંધાના બાદ હરમન માટે પણ ઉંચી બોલી બોલાઈ હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાથે 1.80 કરોડ રુપિયા ખર્ચીને જોડી છે. આ માટે ઉત્તર પ્રદેશ વોરિયર્સે ખૂબ સ્પર્ધા આપી હતી.

ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર માટે પણ ઉંચી બોલી બોલાઈ હતી. તેને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડી હતી. ગાર્ડનરને ગુજરાતની ટીમમાં મહત્વની ભૂમિકા મળી શકે છે.

ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન પર પણ ખૂબ પૈસા વરસ્યા હતા. સોફીને ઉત્તર પ્રદેશ વોરિયર્સે પોતાની ટીમમાં 1.80 કરોડ રુપિયા ખર્ચીને જોડવામાં આવી છે.

એલીસ પેરી. આ નામ પર પણ ખૂબ પૈસા વરસવાનુ નિશ્ચિત મનાતુ હતુ. એલિસ પેરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની સાથે જોડવામાં સફળ રહી છે. આ માટે પેરી પર 1.70 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. દિલ્લી કેપિટલ્સે પણ પેરી પર બોલી લગાવી આરસીબીને ટક્કર આપી હતી.