ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની એ પાંચ ઈનિંગ જે તેને બનાવે છે ‘બેસ્ટ ઓપનર’
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે 6 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે અંતિમ વાર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરી ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. ડેવિડ વોર્નરે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ મેચ રમી છે અને 205 ઈનિંગમાં તેણે 44.59ની એવરેજથી કુલ 8786 ટેસ્ટ રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 335 નોટઆઉટ રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની ટોપ 5 શ્રેષ્ઠ ઈનિંગ્સ પર એક નજર.

335* vs પાકિસ્તાન (2019): ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કરિયરની સૌથી બેસ્ટ ટેસ્ટ ઈનિંગ પાકિસ્તાન સામે હતી. વર્ષ 2019માં વોર્નરે પાકિસ્તાન સામે 335 રન બનાવ્યા હતા, જે ટેસ્ટમાં તેનો બેસ્ટ સ્કોર છે, સાથે જ આ સ્કોર કોઈ પણ ઓસ્ટ્રેલિયન બેટરનો બીજો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે. વોર્નરે આ ઈનિંગમાં 411 બોલ રમ્યા અને 335* રન બનાવ્યા, જેમાં તેણે 39 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા એટલે બાઉન્ડ્રીથી કુલ 162 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 80થી વધુ રહ્યો હતો.

253 vs ન્યુઝીલેન્ડ (2015): ન્યુઝીલેન્ડ સામે 253 રન વોર્નરની બીજી બેસ્ટ ઈનિંગ કહી શકાય. આ ઈનિંગ વોર્નર માટે ખૂબ જ ખાસ છે, કારણકે આ તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી હતી. આ ઈનિંગમાં વોર્નરે 286 બોલમાં 253 રન બનાવ્યા હતા, જેમાં 24 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ ઈનિંગમાં વોર્નરનો સ્ટ્રાઈક રેટ 88.46 હતો.

200 vs દક્ષિણ આફ્રિકા (2022): આ બીજી બેવડી સદી છે જે વોર્નરે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બનાવી હતી અને તે ફરી એક ઝડપી ઈનિંગ હતી અને આ ઈનિંગ ગયા વર્ષે MCG ખાતે રમાઈ હતી અને આ તેની અત્યાર સુધીની કારકિર્દીની છેલ્લી બેવડી સદી હતી. આ ઈનિંગમાં તેણે 255 બોલમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

180 vs ભારત (2012): ભારત સામે ડેવિડ વોર્નરની આ ઈનિંગ તેની વન ઓફ ધ બેસ્ટ ટેસ્ટ ઈનિંગ રહી હતી. માત્ર 159 બોલમાં વોર્નરે 20 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 180 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ ધમાકેદાર 113.21નો રહ્યો હતો.

145 vs દક્ષિણ આફ્રિકા (2014): દક્ષિણ આફ્રિકામાં અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં 156 બોલમાં 145 રનની આ ઈનિંગ છેલ્લા દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં આ સર્વશ્રેષ્ઠ ઓવરસીઝ બેટિંગ પ્રદર્શનમાંની એક છે. આ મેચ વિનિંગ ઈનિંગમાં વોર્નરે 13 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નરે 2014માં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની આ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.
