ICC રેન્કિંગમાં અભિષેક શર્માની જોરદાર છલાંગ, 38 ખેલાડીને પછાડી બન્યો નંબર-2 બેટ્સમેન
ભારતના ઓપનર અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેને ICC રેન્કિંગમાં તેનું ફળ મળ્યું છે. અભિષેક શર્મા 38 ખેલાડીઓને પછાડીને બીજા નંબરે પહોંચી ગયો છે.

અભિષેક શર્માએ છેલ્લા કેટલાક દિવસોમાં એટલી સારી બેટિંગ કરી છે કે હવે ICC રેન્કિંગમાં પણ તેનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. ભારતના આ ડાબોડી ઓપનરે લેટેસ્ટ ICC T20 રેન્કિંગમાં નંબર 2 નું સ્થાન હાંસલ કર્યું છે.

નવાઈની વાત એ છે કે અભિષેક શર્મા ગયા અઠવાડિયા સુધી 40મા નંબર પર હતો, પરંતુ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ, તે હવે 38 ખેલાડીઓને પાછળ છોડીને નંબર 2 પર પહોંચી ગયો છે.

ICC લેટેસ્ટ T20 રેન્કિંગમાં અભિષેક શર્માએ ફિલ સોલ્ટ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, જોસ બટલર, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

અભિષેક શર્માનું લેટેસ્ટ રેન્કિંગ નંબર 2 છે અને તેના રેટિંગ પોઈન્ટ 829 થઈ ગયા છે. અભિષેકથી આગળ ટ્રેવિસ હેડ છે જે 855 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર છે. જો અભિષેક શર્મા આગામી T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે તો તે ટ્રેવિસ હેડને પણ પાછળ છોડી દેશે.

ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણીમાં અભિષેક શર્માએ 55.80ની સરેરાશથી 279 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. અભિષેકે પોતાની ઈનિંગમાં 22 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા હતા. (All Photo Credit : PTI)

































































