સ્મૃતિ મંધાનાએ તોડ્યો સદીનો મહારેકોર્ડ, એક વર્ષમાં આટલી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર
ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. વર્ષ 2024ની આ તેની ચોથી વનડે સદી છે. આ સાથે જ તે મહિલા ક્રિકેટમાં વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના સદી ફટકારવામાં સફળ રહી હતી. પર્થમાં રમાયેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ લડાયક સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 103 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 14 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જો કે, સદી બાદ તે વધુ સમય સુધી ક્રિઝ પર રહી શકી ન હતી અને 105 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

વર્ષ 2024માં આ સ્મૃતિ મંધાનાની ચોથી ODI સદી છે. આ સાથે તે મહિલા ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારનારી ખેલાડી પણ બની ગઈ છે. મહિલા ODI ક્રિકેટમાં 7 ખેલાડીઓએ એક વર્ષમાં 3 સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ મંધાના 4નો આંકડો સ્પર્શનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે.

આ ઈનિંગ સાથે સ્મૃતિ મંધાનાએ પોતાની ODI કરિયરમાં 9 સદી પૂરી કરી લીધી છે. તે ભારત માટે ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આ સિવાય તે મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા ક્રમે આવી ગઈ છે.

સ્મૃતિ મંધાના ઉપરાંત નેટ સાયવર બ્રન્ટ, ચાર્લોટ એડવર્ડ્સ અને ચમારી અટાપટ્ટુએ પણ ODI ક્રિકેટમાં 9-9 સદી ફટકારી છે. મેગ લેનિંગ 15 સદી સાથે આ યાદીમાં ટોપ પર છે. (All Photo Credit : PTI / GETTY )
ક્રિકેટને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો
