
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમનો શરમજનક પરાજય થયો હતો. પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ તેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 89 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ વાત એ છે કે જે પીચ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા હતા, એ જ પીચ પર ભારતીય બેટ્સમેનો માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે સવાલ એ ઊભો થયો કે આખરે બીજી ઇનિંગમાં એવું શું બદલાયું કે ભારતીય ટીમની બેટિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ?

મેચ બાદ ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરે ટીમની હાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્વીકાર્યું કે પ્રથમ અને બીજી ઇનિંગ દરમિયાન પીચના વર્તનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. શ્રેયસ ઐયરે કહ્યું કે આવી હાર પચાવવી મુશ્કેલ છે, પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ યોગ્ય લાઇન અને લેન્થ પર બોલિંગ કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને હેનરીએ જે રીતે બોલિંગ કરી, તે પ્રશંસાને પાત્ર છે.

શ્રેયસ ઐયરના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમને લાગ્યું હતું કે પીચ બેટિંગ માટે અનુકૂળ છે. કારણ કે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 330થી વધુ રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગમાં પીચનું વર્તન સાવ અલગ જોવા મળ્યું હતું. બોલ ક્યારેક અંદરની તરફ તો ક્યારેક બહારની તરફ સીમ થઈ રહ્યો હતો, જેના કારણે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શ્રેયસ ઐયરે વધુમાં કહ્યું કે, પ્રથમ ઇનિંગ દરમિયાન ટીમે કેટલીક કેચ પણ છોડ્યા હતા, જેનો સ્વીકાર કરવો પડે. જોકે, ક્રિકેટમાં આવી ભૂલો થતી રહે છે. ટીમને લાગતું હતું કે 334 રનના લક્ષ્યાંકનો પીછો કરીને સરળતાથી જીત મેળવી શકાશે, પરંતુ બીજી ઇનિંગમાં પીચના બદલાયેલા મિજાજે મેચનું ચિત્ર જ બદલી નાખ્યું. ભારતીય બેટ્સમેનોએ સારા બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.

આ કારમી હાર બાદ ભારતીય ટીમ હવે આગામી મેચમાં વાપસી કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેયસ ઐયરે જણાવ્યું હતું કે ટીમ આ મેચમાં ક્યાં ભૂલો થઈ તેનું વિશ્લેષણ કરશે અને બેટિંગ તથા બોલિંગ બંને વિભાગમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. ટીમ આગામી મુકાબલામાં સકારાત્મક માનસિકતા સાથે ઉતરવા માગે છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ વનડે રવિવારે રમાવાની છે. આ મુકાબલો પણ એ જ મેદાન પર રમાશે. ત્યારે ભારતીય ટીમ પીચના પડકારને કેવી રીતે સમજે છે અને કારમી હાર બાદ કેટલા મજબૂત અંદાજમાં વાપસી કરે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.