IND vs AUS : ગાબામાં વરસાદને કારણે પ્રથમ દિવસની રમત રદ્દ, બીજા દિવસે 98 ઓવરની રમત થશે
India vs Australia 3rd Test: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. હવે તેની ત્રીજી મેચ બ્રિસ્બેનમાં શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ દિવસે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પરંતુ વરસાદના કારણે માત્ર 13.2 ઓવર જ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકસાન વિના 28 રન બનાવ્યા છે.

પર્થ અને એડિલેડ પછી હવે ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં શરૂ થઈ રહી છે. 14મી ડિસેમ્બરથી રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

પિચ અને હવામાનને જોતા ઝડપી બોલરોને મદદ મળવાની આશા હતી. જો કે, આવું બન્યું ન હતું. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપમાંથી કોઈને પણ અપેક્ષા મુજબ સ્વિંગ કે સીમ મૂવમેન્ટ મળી નથી.

પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 13.2 ઓવરની જ મેચ થઈ શકી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા.

ઉસ્માન ખ્વાજા 47 બોલમાં 19 રન અને નાથન મેકસ્વિનીએ 33 બોલમાં 4 રન બનાવ્યા બાદ ક્રીઝ પર હાજર છે.

પ્રથમ દિવસે ગુમાવેલી ઓવરોની ભરપાઈ કરવા માટે અમ્પાયરોએ આગામી 4 દિવસ સુધી દરરોજ ઓછામાં ઓછી 98 ઓવરો બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બીજા દિવસની રમત અડધો કલાક વહેલા શરૂ થશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે 5:50ને બદલે 5:20 વાગ્યે શરૂ થશે. (All Photo Credit : X / BCCI / ICC)
